હાથ બદલશે હાલત: જામનગરમાં પરિવર્તનનો પવન, કોંગ્રેસ તરફ ઝુકતું જનમત

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં શહેરના રાજકીય વાતાવરણમાં એક સ્પષ્ટ બદલાવ અનુભવાઈ રહ્યો છે. વર્ષો સુધી એકહથ્થું શાસન જોઈ ચૂકેલી પ્રજા હવે વિકલ્પ શોધી રહી હોય તેવું ચિત્ર ઊભું થયું છે, અને આ સંજોગોમાં કોંગ્રેસ માટે અનુકૂળ પવન ફૂંકાઈ રહ્યો છે.

પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસે આ વખતે ખૂબ જ ગોઠવણપૂર્વક અને માપેલું રાજકીય પ્લાનિંગ કર્યું છે. સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા નેતાઓ — શહેર પ્રમુખ દિગુભા જાડેજા, ઇન્ચાર્જ પ્રમુખ સંજય કાંબરીયા — સતત મેદાનમાં રહીને જનસંપર્ક વધારી રહ્યા છે.ઘેર ઘેર જઈને કરવામાં આવી રહેલો પ્રચાર, નાના વિસ્તારો સુધી પહોંચતી ટીમો અને સીધો લોકો સાથેનો સંવાદ — આ બધાએ કોંગ્રેસને “લોકો વચ્ચેની પાર્ટી” તરીકે ફરીથી સ્થાપિત કરી છે. ખાસ કરીને યુવા મતદારો અને મધ્યવર્ગમાં પરિવર્તનની ઇચ્છા વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે.

ભાજપના લાંબા શાસન સામે ઉઠતા પ્રશ્નો — પાણી જેવી મૂળભૂત સુવિધા, વધતો ખર્ચ, વિકાસકાર્યોની ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આરોપો — હવે ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યા છે. લોકોમાં એ ભાવના મજબૂત બની રહી છે કે “આ વખતે કંઈક નવું અજમાવવું જોઈએ.”વોર્ડ સ્તરે જોવામાં આવે તો જે વિસ્તારો ભાજપના ગઢ મનાતા હતા ત્યાં પણ કોંગ્રેસે જોરદાર એન્ટ્રી કરી છે. મચ્છરનગર, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં લોકોનો પ્રતિસાદ કોંગ્રેસ માટે ઉત્સાહજનક ગણાઈ રહ્યો છે. અનેક વોર્ડમાં કાર્યકરોને મળતું સ્વાગત અને જાહેરમાં મળતું સમર્થન આ પરિવર્તનની દિશા બતાવે છે.

કોંગ્રેસે પોતાના મેનીફેસ્ટોમાં પાણી, સુરક્ષા, બાગ-બગીચા અને લોકપયોગી કામો પર ખાસ ધ્યાન આપવાની ખાતરી આપી છે, જે સીધા લોકોના દૈનિક જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ છે. “વચન નહીં, કામગીરી” — આ મેસેજ સાથે પાર્ટી મેદાનમાં ઉતરી છે.

ચૂંટણીના અંતિમ તબક્કામાં હવે વાતાવરણ સ્પષ્ટ રીતે ગરમાયું છે. ભાજપ અને આમ આદમી પાર્ટી પણ પોતાની બેઠકો બચાવવા માટે પૂરૂ જોર લગાવી રહી છે, પરંતુ હાલની સ્થિતિએ કોંગ્રેસ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહી છે.મતદાનના દિવસે જો આ જ લહેર યથાવત રહી, તો જામનગરના રાજકારણમાં ખરેખર “હાથ બદલશે હાલત” — અને શહેરમાં નવા રાજકીય અધ્યાયની શરૂઆત થઈ શકે છે.