જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 64માંથી 60 બેઠકો પર ભવ્ય જીત મેળવી શહેરના રાજકારણમાં ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. પરંતુ હવે ચૂંટણીનો અસલી “પાવર ગેમ” શરૂ થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના પદો માટે દાવેદારો સક્રિય બનતા અંદરખાને જોરદાર લોબિંગ શરૂ થઈ ગયું છે.

પાર્ટી દ્વારા મોકલાયેલા નિરીક્ષકો દ્વારા કોર્પોરેટરોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા રાજકીય હલચલ વધુ તેજ બની ગઈ છે. કોના નામને કેટલું સમર્થન મળે છે અને કયા ચહેરા પર “હાઈકમાન્ડની કૃપા” છે તે અંગે કોર્પોરેટરો અને કાર્યકરોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક દાવેદારોએ પોતપોતાની રાજકીય શક્તિ અને સંગઠન પ્રત્યેની વફાદારી દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

શહેરથી લઈને ગાંધીનગર સુધી ફોન કોલ, મુલાકાતો અને ભલામણોની રાજનીતિ ગરમાઈ ગઈ હોવાનું રાજકીય સૂત્રો કહી રહ્યા છે. દરેકને “સેવક” તરીકે ઓળખાવવું છે, પરંતુ અંદરખાને દરેકની નજર ખુરશી પર જ હોવાની ચર્ચા રાજકીય ગલીઓમાં ખુલ્લેઆમ થઈ રહી છે. કેટલાક દાવેદારો વર્ષોની સંગઠનની સેવા યાદ અપાવી રહ્યા છે તો કેટલાક જીતના મોટા માર્જિનને પોતાની દાવેદારીનું સૌથી મોટું હથિયાર બનાવી રહ્યા છે.
પરંતુ આખરે પાર્ટી કોના નામ પર મહોર મારે છે તે જ સૌથી મોટો સવાલ બની ગયો છે. કારણ કે ભાજપમાં અંતિમ નિર્ણય વ્યક્તિની ઈચ્છા નહીં પરંતુ “પાર્ટીની પસંદ” પર જ નિર્ભર રહેતી હોય છે. હાલ સ્થિતિ એવી બની છે કે જીતનો જશ્ન હજુ પૂર્ણ થયો નથી અને સત્તાની ખુરશી માટેની દોડ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.




















