મેઘપરમાં નશાના કાળા કારોબાર પર SOGનો દરોડો : પંજાબ કનેક્શન સાથે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

જામનગર SOGનો મેઘપરમાં નશાના જાળ પર પ્રહાર : પંજાબથી લાવવામાં આવતા ઓપીએડ ડ્રગ્સ સાથે બે ઝડપાયાજામનગર જિલ્લામાં નશાના કારોબાર સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ચાલતા ગેરકાયદેસર માદક પદાર્થોના અડ્ડા પર પોલીસે દરોડો પાડી બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી હેરોઇન, મોફીન અને કોડેટ જેવા પ્રતિબંધિત ઓપીએડ ડ્રગ્સ સહિત કુલ ₹6.93 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, SOGને મેઘપર ગામના રામદૂતનગર વિસ્તારમાં મચ્છી માર્કેટ પાછળ આવેલા રવિવારી માર્કેટના પટમાં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે તા. 1 મે 2026ના રોજ સાંજે ટીમે સચોટ વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન બે શંકાસ્પદ યુવકોને અટકાવી તેમની તપાસ કરતાં માદક પદાર્થોનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ઝડપાયેલા આરોપીઓની ઓળખ હરપાલસિંઘ સ્વર્ણસિંઘ (ઉંમર 30) અને રમનદિપસિંઘ સુલ્લાખાન (ઉંમર 28) તરીકે થઈ છે. બંને પંજાબના અમૃતસર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

હાલ તેઓ મેઘપર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને સ્થાનિક સ્તરે ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક ઉભું કરવાની તૈયારીમાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 33 ગ્રામ જેટલો નશીલો જથ્થો કબજે કર્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹6.60 લાખ ગણવામાં આવે છે. ઉપરાંત બે મોબાઇલ ફોન, ડિજિટલ વજન કાંટો અને રોકડ રકમ પણ મળી આવી હતી.

પોલીસે આ સમગ્ર મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓ સામે N.D.P.S. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે.સૂત્રો મુજબ આરોપીઓ પંજાબમાંથી ગેરકાયદેસર રીતે ડ્રગ્સ લાવી જામનગર જિલ્લામાં તેનું વેચાણ કરતા હોવાની આશંકા છે.

હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આ નશાનો જથ્થો કોના મારફતે જામનગર સુધી પહોંચતો હતો અને તેની પાછળ કોઈ મોટું રેકેટ તો કાર્યરત નથી ને?આ ઓપરેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. ખેર અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. હાલ પોલીસે આરોપીઓના મોબાઇલ ફોન અને સંપર્કોની તપાસ શરૂ કરી છે, જેથી નશાના આ જાળમાં જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચી શકાય.