જામનગર નજીક તમાચણ ગામ પાસે આવેલા રેલ્વે ફાટક પર ટ્રેન પસાર થતી વખતે નિયમ મુજબ ફાટક બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ પોતાની ઉતાવળને કારણે એક થાર કાર ચાલકે દાદાગીરી બતાવી ગેટકીપર સાથે મારામારી અને તોડફોડ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ, પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે અમરસીંગ પ્યારેલાલ મીણા નામના રેલ્વે ગેટકીપરે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી હાલ જાલીયા દેવાણી રેલ્વે સ્ટેશનના ક્વાર્ટર નં. E-4-A ખાતે રહે છે અને તમાચણ ગામ પાસે આવેલી રેલ્વે ફાટક નંબર LC-163 પર ફરજ બજાવે છે.
ફરિયાદ અનુસાર, ટ્રેન આવવાની હોવાથી નિયમ મુજબ રેલ્વે ફાટક બંધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન GJ 03 NP 5930 નંબરની મહિન્દ્રા થાર લઈને આવેલો ચાલક ફાટક બંધ હોવા છતાં પસાર થવા માટે આગ્રહ કરવા લાગ્યો. ગેટ ન ખોલતા આરોપી સીધો ગેટકીપરની ઓફિસમાં ઘૂસી ગયો અને “ફાટક ખોલ, મારે ઉતાવળ છે” કહી ધમકાવવાનું શરૂ કર્યું.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, ગેટકીપરે નિયમ મુજબ ફાટક ખોલવાની ના પાડતા થાર ચાલકે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ગેટકીપરને ઝાપટ મારી હતી તેમજ ડાબા હાથમાં નખ બેસાડી ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં, સરકારી ઓફિસમાં લગાવવામાં આવેલો ટેલિફોન તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ આરોપ છે.
આ સમગ્ર ઘટનામાં ગેટકીપરને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરાઈ હોવાના આક્ષેપ સાથે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.




















