ગુજરાત કોંગ્રેસમાં ફરી હલચલ મચી ગઈ છે. ભાજપ અને પાટીલ પોકારી પોકારીને ના પાડી ચૂક્યા છે કે કોંગ્રેસીઓને હવે સમાવાશે નહીં પણ એમનો ભરતી મેળો હજુ અટક્યો નથી. ગણતરીના દિવસો પહેલાં જ જયરાજસિંહ સહિતના કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે. ભારતને ભાજપ કોંગ્રેસ મુક્ત કરે કે ન કરે પરંતુ ભાજપ હવે કોંગ્રેસયુક્ત બન્યું છે. સરકારમાં મંત્રી મંડળમાં પણ કોંગ્રેસીનેતાઓનો હવે દબદબો વધ્યો છે. ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યો ચર્ચાને એરણે છે એનું મુખ્ય કારણ એ છે કે રાજસ્થાનના એક ધારાસભ્યે દાવો કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે. સંયમ લોઢાના આ ધડાકાથી ગુજરાત કોંગ્રેસમાં જબરદસ્ત હલચલ મચી ગઈ છે.
રાજસ્થાનમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે પણ અપક્ષ તરીકે સંયમ લોઢા પણ જીત્યા છે. જેઓ અવારનવાર વિવાદો જગાવતા રહ્યા છે. હાલમાં તેમણે એક એવો દાવો કર્યો છે જેને પગલે કોંગ્રેસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક ટ્વીટમાં સંયમ લોઢાએ લખ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે, સ્વસ્થ રહો અને સતર્ક રહો. આ સાથે જ આ ટ્વીટમાં સંયમ લોઢાએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ગુજરાત કોંગ્રેસ તેમજ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલને ટેગ કર્યા છે. આમ હવે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ચર્ચા જામી છે કે આ નેતાઓ કયા છે?





















