સમગ્ર ગુજરાતની સાથે સાથે બંને જિલ્લાઓમાં પણ ચૂંટણીના પડધમ આજે શાંત થયા છે, અને આગામી ૭મી તારીખે મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે જામનગર લોકસભાની બેઠક માટેનું ચૂંટણી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે, તેમજ જુદા જુદા વિધાનસભા વિસ્તારના મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન તથા ચૂંટણી લક્ષી સાહિત્ય પહોંચાડવા માટેના ડિસ્પેચિંગ સેન્ટર આજથી ધમધમતા થઈ ગયા છે, અને ચૂંટણી ફરજના સ્ટાફને બોલાવીને ચૂંટણી લક્ષી સાહિત્ય ડીસ્પેચ કરવાની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.
જામનગર ૭૮ ઉત્તર વિધાનસભા વિસ્તાર માટેનું ડિસ્પેચિંગ સેન્ટર જામનગર ની ડી.કે.વી. કોલેજમાં શરૂ કરાયું છે, જ્યારે ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તાર માટે નું ડિસ્પેચિંગ સેન્ટર જામનગરના વિદ્યોતેજક મંડળ ના પરીસર માં કરાવાયું છે. તે જ રીતે ૭૭- જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તાર માટે નું ડિસ્પેચિંગ સેન્ટર સાત રસ્તા સર્કલ નજીક આવેલી ઓશવાળ હાઇસ્કુલમાં ઊભું કરાયું છે. જે ત્રણેય સેન્ટર આજે રવિવારે કાર્યરત બન્યા હતા, અને ઇવીએમ મશીન તથા મતદાનને લગતી તમામ પ્રકારની સામગ્રીઓ એકત્ર કરીને મતદાન મથકો માટે રવાના કરવા માટેની કાર્યવાહી નો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત કાલાવડ જામજોધપુર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને દ્વારકા તાલુકા મથકોના સ્થાનિક જગ્યાએ સેન્ટર ઊભા કરાયા છે, અને તે તમામ સ્થળોએ થી પણ મતદાનને લગતી સામગ્રી પહોંચતી કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી લેવામાં આવી છે.
સોમવારે સાંજ થી ચૂંટણી ફરજમાં જોડાયેલા બંને જિલ્લાના કુલ ૮,૮૭૨ કર્મચારીઓને તેઓની ફરજ પર મોકલવા માટે અને મતદાન ને લગત જરૂરી ચૂટણી સાહિત્ય સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે.
જામનગર ના જિલ્લા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યા ની રાહબરી હેઠળ સમગ્ર મતદાન ની પ્રક્રિયા અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
પોલીસ તંત્ર દ્વારા પણ હાલારના બંને જિલ્લાઓમાં કુલ 3447 સુરક્ષા કર્મીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે, જેમાં ચાર એસપી , સાત ડીવાયએસપી દિવસ સહિત પીઆઇ પીએસઆઈ સહીતના પોલીસ કર્મીઓ ફરજ પર તૈનાત રહેશે અને તેઓને પણ જુદા જુદા મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા અંગેની જવાબદારી સોંપવામાં આવી રહી છે. જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.પી. નીતિશ પાંડે સમગ્ર સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે.





















