ક્ષત્રીય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાને દિલ્લી હાઇ કમાન્ડનું તેડું

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા જાહેર મંચ પરથી કરવામાં આવેલા નિવેદને ગુજરાતનું રાજકારણ ધગધગાવી દીધું છે. પરશોત્તમ રૂપાલાના વાણીવિલાસના કારણે રાજ્યમાં દરેક જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે રૂપાલા તેમના નિવેદનને લઈ એકવાર વીડિયો મારફતે અને બીજીવાર જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગોંડલ ખાતે ફાર્મ હાઉસમાં સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. તેમ છતાં રાજ્યમાં રૂપાલાનો વિરોધ યથાવત છે.

માહિતી મળી રહી છે કે પરશોત્તમ રૂપાલા વાણીવિલાસ વચ્ચે દિલ્હીનું તેડું આવી શકે છે. 3 એપ્રિલે કેન્દ્રીય કેબિનેટ યોજાય તો બેઠકમાં ઉપસ્થિત રહેવાની અટકળો તેજ થઇ રહી છે. કેબિનેટ બેઠક બાદ ક્ષત્રિયોના વિવાદ મામલે બેઠકમાં રૂપાલાના જાહેર મંચ પર વાણીવિલાસ કર્યાને લઇ ચર્ચા થઇ શકે છે. સુત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, હાઈ કમાન્ડ સાથે રૂપાલાની બેઠક થઈ શકે છે અને ગુજરાતમાં ક્ષત્રિયોના વિવાદ મામલે નિર્ણય લેવાઈ શકે છે. તેમણે કેન્દ્રીય મંત્રીની લોકસભા ઉમેદવાર તરીકેની ટિકિટ રદ કરવા માટે માગ ઉઠી છે. તે ઉપરાંત મહિલાઓ દ્વારા કેન્દ્રીય મંત્રીના વિરોધ કરતા પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યા છે.

રૂપાલાના વાણીવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ

રૂપાલાના વાણીવિલાસને લઇ ક્ષત્રિય સમાજમાં રોષ છે તેમનું કહેવું છે કે, રાજપૂત સમાજ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ ઉપર અડગ છે, સમાજને ભાજપ સામે વાંધો નથી, સમાજ પોતાના માટે પણ ટિકીટ માંગતો નથી, કોઈને પણ ટિકીટ આપો – રૂપાલાએ જે બફાટ કર્યો છે એ ભૂલ નથી એ અપરાધ છે માટે માફીને પાત્ર નથી – સજાને પાત્ર છે, રુપાલાની ધરપકડ થવી જોઈએ તેના બદલે પોલીસ સમાજની મહિલાઓની અટકાયત કરે છે.