સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિલ્હીથી જામનગરના પત્રકારો સાથે વોટસએપ વિડીયો કોલીંગમાં અપાયેલી માહિતી
જામનગર તા. 21 સાંસદ પૂનમબેન માડમના પ્રયત્નોને વધુ એક વખત સફળતા મળી છે.દેશના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાંક સમયથી વંદે ભારત ટ્રેન શરૂ થઇ ચૂકી છે. જામનગરના મુસાફરો પણ વંદે ભારત ટ્રેનની રાહ જોઇ રહ્યા હતાં. તે દરમિયાન સ્થાનિક સાંસદ પૂનમબેન માડમે દિલ્હીથી જામનગરના પત્રકારો સાથેની વિડીયો કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, આગામી 24 સપ્ટેમ્બર રવિવારથી જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનનો આરંભ કરવામાં આવશે. વડાપ્રધાન વર્ચ્યુલી જોડાઈને આ ટ્રેનને લીલીઝંડી આપશે તેમજ સાંસદ પૂનમબેન માડમ જામનગર ખાતેથી ટ્રેનને પ્રસ્થાન કરાવશે.

આ વંદે ભારત ટ્રેન જામનગરથી સાડા પાંચ વાગ્યે ઉપડશે અને સવારે 10.00 વાગ્યે અમદાવાદ પહોંચી જશે. આ ઉપરાંત સાંજે 6.00 વાગ્યે પરત અમદાવાદથી રવાના થઇ આ ટ્રેન રાત્રે 10.30 વાગ્યે જામનગર પહોંચશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચલાવવામાં આવશે. આ ટ્રેનને કારણે જામનગર અમદાવાદ રૂટ પર મુસાફરી કરતાં સેંકડો પ્રવાસીઓનો સમય બચશે અને વંદે ભારત ટ્રેનમાં બેસવાનો આનંદ પણ માણી શકાશે. આ ટ્રેનમાં આઠ કોચ જોડવામાં આવશે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, વિરમગામ થઇ અમદાવાદ પહોંચશે.





















