ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાની ટ્વીટ કરી, મોરબી દુર્ઘટનામાં ગુનેગારો કોણ તે અંગે કોઈ ફોડ ન પાડ્યો

મોરબી હોનારતમાં 141 લોકોના મોત બાદ અંતે પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે 9 લોકોની અટકાયત કરી છે. હવે પોલીસ દ્વારા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આજે પોલીસ દ્વારા બ્રિજના પ્રબંધક અને મેન્ટેન્સ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બ્રિજ 35 વર્ષ સુધી લીઝ પર આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ટિકીટ આપનાર વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે.

25થી વધુ બાળકોના થયા મોત

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો 143 વર્ષ જૂનો કેબલ બ્રિજ રવિવારે સાંજે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

કેસ દાખલ કરાયો

આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.

સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો

મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.