ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે મહત્તમ વરસાદ નોધાયો છે, જેમાં અત્યાર સુધી રાજ્યમાં 50 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. આ સાથે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની તો રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ ,સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદથી કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ જવા પામ્યા છે.

હવામાન વિભાગની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ થયો છે, આ સાથે અત્યાર સુધી રાજ્યમાં 56.13 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં 25 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 54 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ થયો છે. સાથે રાજ્યના 82 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ અને 73 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત રાજ્યના 17 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ થયો છે.જોઈએ તો કચ્છમાં આ વખતે સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ થયો છે. સમગ્ર જિલ્લામાં સિઝનનો 101.79 ટકા વરસાદ થઇ ચુક્યો છે. જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 169.90 ટકા વરસાદ થયો છે, અંજારમાં 80.19 ટકા અને ભુજમાં 140.67 ટકા વરસાદ થયો છે. આ સાથે જ માંડવીમાં 138.65 ટકા, મુંદ્રામાં 138.49 ટકા અને નખત્રાણામાં 125.26 ટકા વરસાદ થયો છે.