રાજકોટમાં પણ આજે સવારે ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે બપોરે મેઘરાજાએ ગતિ વધારતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે રાજકોટ જિલ્લાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાલા ગામે ખાનગી સ્કૂલની બસ પાણીમાં ખાબકી હતી. વિદ્યાર્થી ભરેલી બસ પાણીમાં પડી તે ખાનગી શાળાની બસ હોવાનાં અહેવાલ મળી રહ્યા છે.

ત્યારે આ બસમાં નવ વિદ્યાર્થીઓ સવાર હતા. તેમજ એક ડ્રાઇવર અને બે શિક્ષકો પણ આ બસમાં સવાર હતા, પાણીમાં ફસાયેલ બસમાં ગ્રામલોકો અને કાલાવડ ફાયબ્રિગેડની જહેમતથી વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહિ અને મોટી દુર્ઘટના ટળી છે. ફાયરબ્રિગેડની સાથે સાથે સ્થાનિકો પણ આ કામગીરીમાં જોતરાયા હતા. થોડા સમય માટે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
