ઓહો! રાજ્યમાં ૩ મહિના બાદ ૭૦થી વધુ નવા કેસ, ફક્ત 8 દિવસમાં જ કોરોનાના કેસ થયા બમણા

ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક વધારો શરૃ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૨ નવા કેસ સામે આવ્યા છે. ૭ માર્ચ એટલે કે બરાબર ૩ મહિના બાદ નવા કેસનો આંક ૭૦ને પાર થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪૪, સુરત-વડોદરામાંથી ૭, રાજકોટમાંથી ૪, અરવલ્લી-વલસાડમાંથી ૨ જ્યારે આણંદ-બનાસકાંઠા-ગાંધીનગર-ગીર સોમનાથ-મહેસાણા-સાબરકાંઠામાંથી ૧ નવા કેસ નોંધાયા હતા. આમ, છેલ્લા ૭ દિવસમાં જ કુલ ૩૮૪ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. ૩૦ મેના રાજ્યમાં ૩૪ નવા કેસ નોંધાયા હતા. આમ, ૮ દિવસમાં જ દૈનિક કેસનો આંક બમણો થઇ ગયો છે.

રાજ્યમાં હાલ ૩૬૩ એક્ટિવ કેસ છે. છેલ્લા ૮ દિવસમાં જ એક્ટિવ કેસમાં ૬૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. ૩૧ મેના ગુજરાતમાં કુલ ૨૨૫ એક્ટિવ કેસ હતા. અમદાવાદમાંથી સૌથી વધુ ૨૧૮, વડોદરામાં ૪૬, સુરતમાં ૨૫ સાથે સૌથી વધુ દર્દી સારવાર હેઠળ છે. જોકે, રાહતની વાત એ છે કે એકપણ દર્દી હાલ વેન્ટિલેટર પર નથી. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૩૮૫૮ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશ ડોઝ હવે ૧૧.૦૨ કરોડ છે. આ પૈકી ૩૪.૮૮ લાખ દ્વારા પ્રીકોશન ડોઝ લેવામાં આવ્યો છે.

માંડ થાળે પડેલી પરિસ્થિતિ બાદ અમદાવાદમાં ફરી એક વખત કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે.મંગળવારે દૈનિક કેસમાં તેર કેસનો વધારો થતા કોરોનાના નવા ૪૪ કેસ નોંધાયા હતા.હાલમાં અમદાવાદમાં કોરોનાના ૨૦૧ એકિટવ કેસ છે.વધેલા કોરોના સંક્રમણની સ્થિતિમાં આજથી શહેરના એસ.ટી.અને રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમ શરુ કરવાનો મ્યુનિ.તંત્રે નિર્ણય કર્યો છે.વધતા સંક્રમણને ધ્યાનમાં લઈ માસ્ક માટે પણ કડકાઈથી અમલ કરાશે.