ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. હાર્દિકે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેણે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. હાર્દિક પટેલે લખ્યું હતું કે, ‘આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે, મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથીઓ અને ગુજરાતની જનતા કરશે. હું માનુ છું કે, મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે વાસ્તવમાં સકારાત્મકરૂપે કાર્ય કરી શકીશ.

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ
જો કે હાર્દિક પટેલે કોંગ્રેસને રામ રામ કહ્યાં બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેવામાં સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલનું એક જૂનુ ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે જેમાં તેણે લખ્યું છે કે છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ સાથે રહેશે. હાર્દિકે ટ્વિટ કર્યુ હતું કે, હાર-જીતના કારણે વેપારીઓ પાર્ટી બદલે છે, વિચારધારાના અનુયાયી નહી. લડીશ, જીતીશ અને છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં રહીશ. સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલનું આ જૂનુ ટ્વીટ વાયરલ થયા બાદ સવાલો ઉઠી રહ્યાં છે કે છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ સાથે રહેવાના હાર્દિકના દાવાઓ ક્યાં ગયા અને હાર્દિક પટેલ પોતાનું વચન ન નિભાવી શક્યા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.
હાર્દિક પટેલે સોનિયા ગાંધીને લખ્યો પત્ર
હાર્દિક પટેલે સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખેલા પત્રમાં લખ્યું છે કે, છેલ્લાં 3 વર્ષથી મેં જોયું છે કે, કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ કરવા પૂરતી સીમિત રહી ગઈ છે. દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે.

વધુમાં લખ્યું છે કે, દેશ લાંબા સમયથી અયોધ્યામાં શ્રી રામ મંદિર, CAA-NRC મુદ્દો, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, GST લાગુ કરવું વગેરે બાબતે ઉકેલ ઈચ્છતો હતો જેમાં કોંગ્રેસ માત્ર અડચણરૂપ બનવાનું કામ કરી રહી હતી. આ સાથે જ હાર્દિક પટેલે કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં કોઈ પણ મુદ્દે ગંભીરતાનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. વધુમાં કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
હાર્દિક પટેલે ફરિયાદના સૂરમાં લખ્યું છે કે, અમારા જેવા નાના કાર્યકરો દરરોજ પોતાના ખર્ચે 500-600 કિમીનો પ્રવાસ કરે છે ત્યારે ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે. તેમનું ધ્યાન એ બાબત પર વધારે હોય છે કે, દિલ્હીથી આવેલા નેતાઓને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં.





















