પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીઓ દ્વારા થતું મૂલ્યાંકન રદ કરવા અંગે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી લેખીત રજૂઆત કરવામાં આવી છે.પ્રાથમિક શાળાઓમાં ધો.૩ થી ૮ ના બાળકો માટે સમયાંતરે યોજાતી એકમ કસોટીઓ અને તેની ઓનલાઈન ડેટા એન્ટ્રીની કામગીરીથી શિક્ષકોનું કામનું ભારણ વધ્યુ હોવાનું શિક્ષકો જણાવી રહ્યા છે.

દર પખવાડિયે વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજવાની અને ત્યારબાદ તેની ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાની અને જો કોઈ વિદ્યાર્થીને કોઈ સવાલોમાં ઓછા ગુણ પ્રાપ્ત થાય તો તેનુ ફરીથી કસોટી કરી અને તેની ફરીથી ડેટા એન્ટ્રી કરવાની કામગીરીને કારણે શિક્ષકોનું ભારણ વધ્યું છે.સાથે સાથે માત્ર એકમ કસોટીમાં આપેલા સવાલો કરાવવામાં સમય પસાર થાય તો વિદ્યાર્થીઓનો સંપૂર્ણ કોર્ષ ક્યારે પૂર્ણ કરાવવો ? વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ માટે એકમ કસોટી કરવી અને સમયાંતરે વિદ્યાર્થીઓને અપાયેલું પુસ્તકીયું જ્ઞાન તેમને સમજાયું છે કે નહિ તે ચકાસવા માટે એકમ કસોટી જરૂરી છે પરંતુ વારંવાર તેની ઓનલાઇન ડેટા એન્ટ્રીના કારણે શિક્ષકોનો સમય બગડે છે અને શિક્ષકો પર કામનું ભારણ વધવાથી શિક્ષકો બાળકોના અભ્યાસક્રમ માટે જે સમય ફાળવવો જોઈએ તે ફાળવી શકતા નથી તેવું શિક્ષકોનું માનવું છે.
આ કામગીરી સંદર્ભે રાજયની વિવિધ પ્રાથમિક શાળાઓના શિક્ષકોના અભિપ્રાયો એકમ કસોટીઓ દ્વારા કરવામાં આવતું મૂલ્યાંકન રદ કરવા અને નવી શિક્ષણ નિતિ – ૨૦૨૦ અન્વયે સર્વગ્રાહી મૂલ્યાંકનનાં વિવિધ મુદ્દાઓને આવરી સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવા શિક્ષણમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.શાળાઓમાં એકમ કસોટીઓ દ્વારા થતું મૂલ્યાંકન રદ કરી બાળકોના સર્વાંગી વિકાસના પાસાઓ ધ્યાને લઈ માન્ય શિક્ષકો સંઘો તથા શિક્ષણવિદો સાથે સમિક્ષા મિટીંગ યોજવામાં આવે અને વહેલીતકે એકમ કસોટી દ્વારા થતું મૂલ્યાંકન બંદ કરવામાં આવે અને ચાલુ વર્ષથી એકમ કસોટીનો ઓનલાઈન ડેટા તાત્કાલીક ધોરણે બંધ કરવામાં આવે તેવી શિક્ષકોની માંગ છે.