ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત !! સંસ્કારી નગરી વડોદરાના ભાયલી વિસ્તારમાં મિત્રને મળવા ગયેલી સગીરા સાથે ગેંગરેપ

નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્રને મળવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. આ દરમિયાન તે મિત્ર સાથે સૂમસામ સ્થળે બેઠી હતી, ત્યારે ત્રણ લોકોએ તેના મિત્રને ગોંધી રાખીને સામૂહિક દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વડોદરા ભાયલી વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓએ સાથેનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરી છે. પોલીસ તેમજ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઘટનાસ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યાં હતા.

પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ‘પીડિતા તેના મિત્ર સાથે મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી નજીક વાત કરી રહી હતી. આ દરમિયાન બે બાઈક પર પાંચ લોકો આવ્યા હતા. ત્યારબાદ એક બાઇક પર સવાર બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે બાકીના ત્રણ પૈકી એક દ્વારા યુવતીના મિત્રને રોકી રાખી અન્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટના સવારે ચાર વાગ્યે પોલીસ મથક પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલ આ મામલે ફરાર આરોપીઓને પકડી પાડવા માટે વડોદરા ગ્રામ્ય અને શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.