જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને કોંગ્રેસ રાજ્યસરકારના સમયમાં એક ગેરકાનૂની કૃત્ય થયું હોવાનું જણાવવામાં આવ્યું છે તે કૃત્યને હવે આજની ભાજપ સરકાર સુધારશે કે પછી સ્વીકારશે ? તે અંગેનો સવાલ કરતી અખબારી યાદી જામસાહેબ દ્વારા બહાર પાડવામા આવી છે. જામસાહેબ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરની જગ્યામાં વાતાવરણ બગાડતી દુકાનો ગેરકાયદેસર રીતે કોઇ હક્ક-હિસ્સા વગર વસેલા હતા અને અમારા ઇજમેટ રાઇટને નુકસાનકર્તા છે તે વાતની ખબર પડતાં મંદિરની સંચાલક સંસ્થાના અનન્ય મૂળ અધિકારી શ્રી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ તેઓને ત્યાંથી ઉઠાવી મૂક્યા. પરંતુ, આઘાતજનક કૃત્ય એ હતું કે, કોંગ્રેસની રાજ્ય સરકારે પોલીસ દ્વારા દુકાનદારોને પહેલા તો તે જગ્યાએ પાછા વસાવી દીધા. બાદમાં, રાજ્ય સરકારનાં કહેવાથી લગતાવડગતા મહેસૂલનાં અધિકારીઓ દ્વારા તેની દુકાનોની પાછળના દરિયાની ખાડીને કાંઠેથી આશરે દશેક મીટર સુધી બૂરી અને ત્યાં એક સરકારી ખરાબાનો રેવન્યુ સર્વે નંબર બતાવી દીધો. હકીકતમાં, આ ખરાબાનો રેવન્યુ સર્વે નંબર ત્યાંથી અમુક કિલોમીટર દૂરનો હતો ; અહીંયાનો નહીં જે ખૂબજ વિચિત્ર કૃત્ય હતું.
બાદમાં, સમય જતા આ દુકાનમાલિકોને કાયદાના નિયમોની બિલ્કુલ વિરુદ્ધ રીતે અડધું બૂરેલા દરિયા ઉપર અને અડધું મંદિરની મૂળ સનદની જગ્યા ઉપર બિલ્કુલ નાના-નાના ( ૩૦ થી ૧૦૦ ચો.મીટર જેવડા ) પ્લોટો બનાવી તેને ત્યાંથી દૂરના રેવન્યુ સર્વે નંબર આપી ફાળવી દીધા.
હવે, આપણે જોવાનું રહે કે, હાલની ભાજપાની રાજ્ય સરકાર આ ગેરકાયદેસર કૃત્યને સુધારશે કે સ્વીકારશે ?