ઓનલાઈન ટેક્સ કૌભાંડ મુદ્દે ભારે હોહા કર્યા પછી રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ ચૂપ કેમ???

અમદાવાદ, સોમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કહેવાતા ઓનલાઈન ટેક્સ કૌભાંડ મુદ્દે ભારે હોહા કર્યા પછી જૈનિક વકીલ ચૂપ થઈ જતાં અંદરખાને કંઈક રંધાઈ ગયું કે શું એવી ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ઓનલાઈન ટેક્સ કૌભાંડ બહાર પાડ્યું હોવાનો દાવો કરીને બહુ હોબાળો મચાવ્યો હતો.

વિજિલન્સ તપાસની માગણી પણ કરી હતી પણ હવે અચાનક જ આ મુદ્દે સાવ ચૂપ થઈ ગયા છે. પહેલાં સામેથી મીડિયાને આ કૌભાંડની વિગતો પૂરા પાડવા થનગનતા જૈનિક વકીલ હવે આ મુદ્દે સાવ ચૂપ થઈ જતાં ‘વહેવાર’ થઈ ગયો કે શું એવી ચર્ચા ચાલી રહી છે. આ કેસમાં હજુ સુધી વિજિલન્સ તપાસ સોંપાઈ નથી કે કોઈની પણ સામે પગલાં લેવાયાં નથી છતાં આ મુદ્દો પતી ગયો હોય એ રીતે વકીલ વર્તી રહ્યા છે તેથી ભાજપમાં પણ અને કોર્પોરેશનમાં પણ દાળમાં કંઈક કાળું હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જૈનિક વકીલે બહુ મોટું કૌભાંડ પકડી પાડ્યું હોવાનો દાવો કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરને પત્ર લખ્યો હતો, વકીલે દાવો કર્યો હતો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સ વિભાગની ઓનલાઈ પેમેન્ટમાં છેડછાડ કરીને 200 કરતાં વધારે લોકોના ટેક્સ માફ કરી દેવાયા હતા અથવા તેમાં ઘટાડો કરી દેવાયો હતો. આ ઉપરાંત કેટલાંક લોકો ઓનલાઈન ટેક્સ ચૂકવે પછી તેમના ખાતામાં નાણાં પાછાં આવી જતાં હતાં. આ રીતે પણ કરોડોનું કૌભાંડ આચરાયું હોવાનો દાવો જૈનિક વકીલ દ્વારા કરાયો હતો.

જૈનિક વકીલે ગયા વરસે એપ્રિલમાં આ કૌભાંડ બહાર પાડીને બહુ મોટો ધડાકો કર્યો હોવાનો દેખાવ ઉભો કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિરપલ કમિશનરને લખેલા પત્રમાં વકીલે દાવો કર્યો હતો કે, 202ના માર્ચમાં સ્વાઈપ મશીન દ્વારા કરડો રૂપિયાના વ્યવહારો થયા છે. તેમાંથી ઘણા બધામાં ઠગાઈ કરવામાં આવી છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ પ્રકારના કેટલા વ્યવહારો થયા છે તેવી વિગતો તેમણે માગી હતી. વકીલે એ પછી વધુ બે વાર પત્ર લખીને કૌભાંડ થયાની વાત દોહરાવીને વિજિલન્સ તપાસની માગણી કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર તેમને વિગતો આપતું નથી ને જવાબ આપવાની તસદી પણ લેતું નથી એવો બળાપો પણ તેમણે કાઢ્યો હતો. આ મુદ્દાને મીડીયા મારફતે ચગાવ્યા પછી જૈનિક વકીલે આ મુદ્દાને કોરાણે જ મૂકી દીધો છે. કરોડોના કૌભાંડની વાતો કરનારા જૈનિક વકીલ હવે આ મુદ્દે કશું બોલવા પણ તૈયાર નથી તેથી અનેક પ્રકારની શંકા-કુશંકાઓ પેદા થઈ રહી છે.