કેન્દ્રીય કેબિનેટ નિર્ણય :મોદી સરકારે વિદ્યા લક્ષ્મી યોજનાને આપી મંજૂરી, વિદ્યાર્થીઓને મળશે 10 લાખ સુધીની લોન

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આજે ઘણાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે. આ બેઠકમાં તેજસ્વી બાળકોના અભ્યાસમાં મુશ્કેલી ન પડે, તે માટે સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ નિર્ણયો વિશે જાણકારી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે, તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી ન પડે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ એજ્યુકેશન લોનમાં મળશે. જરૂરિયાતમંદ બાળકો ભણતર માટે બેન્કમાંથી સસ્તા દરે 10 લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન લઈ શકશે. આ યોજનાથી હવે પૈસાની કમીના કારણે કોઈ બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

બેન્ક અને નાણાંકીય સંસ્થામાંથી લોન લેવું બનશે સરળ

એજ્યુકેશન લોન ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થા (QHEI) માં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ સંબંધિત ટ્યુશન ફી અને અન્ય ખર્ચાઓને આવરી લેશે. આ વિશે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, બેન્ક અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી કોલેટરલ ફ્રી, ગેરેન્ટર ફ્રી લોન લઈ શકાશે.

શું છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના?

અશ્વિની વૈષ્ણવે વિદ્યાલક્ષ્મી યોજના વિશે જણાવતા કહ્યું કે, જે પરિવારની વાર્ષિક કૌટુંબિક આવક 8 લાખ રૂપિયા છે. એવા પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન પર 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે. 7.5 લાખ રૂપિયા સુધીની લોન પર ભારત સરકાર 75% ક્રેડિટ ગેરંટી આપશે.તેજસ્વી બાળકોના શિક્ષણ ઉપરાંત કેબિનેટે અન્ય ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા છે. વૈષ્ણવે કહ્યું કે, FCI અનાજની ખરીદીમાં મોટી ભૂમિકા ભજવે છે. આજે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (FCI)ને મજબૂત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. કેબિનેટે FCIને 10,700 કરોડ રૂપિયાની નવી ઇક્વિટી મૂડી આપવાનો નિર્ણય કર્યો છે.