Site icon Meraweb

સેકન્ડ ઇનિંગની શરૂઆતમાં જ તોફાની બેટિંગ -રૂપિયા 1100 કરોડના કામો અને પ્રોજેકટસનો સૈદ્ધાંતિક સ્વીકાર અને વિવિધ ખર્ચાઓ મંજૂર

Turbulent batting at the beginning of the second innings - an exercise to land the moon of Rs. 1100 crores

મહાનગરપાલિકાના નવનિયુકત સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા પ્રથમ જ બેઠકમાં રૂપિયા 1097.22 કરોડના કામો અને પ્રોજેકટસનો સૈદ્ધાંતિક સ્વીકાર અને વિવિધ ખર્ચાઓ મંજૂર:

શહેરમાં રૂા. 600 કરોડના ખર્ચે રિવર ફ્રન્ટ બનાવવા નગરજનોને વધુ એક વખત વચન: રૂપિયા 400 કરોડ કરતાં વધુના ખર્ચે શહેરમાં જબરદસ્ત ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો હાથ ધરવામાં આવશે: કમિશ્ર્નરની તોતિંગ ખર્ચવાળા પ્રોજેકટસની તમામ દરખાસ્તોનો સૈદ્ધાંતિક સ્વીકાર કરતી કમિટી

જામનગર તા. 23
જામનગર મહાનગરપાલિકામાં અન્ય મહાનગરોની સાથે સાથે નવનિયુકત પદાધિકારીઓની ટીમ જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા અઢી વર્ષ માટે ઉતારવામાં આવી છે. આ ટીમના કમિટીના ચેરમેન દ્વારા કમિટીની પ્રથમ જ બેઠકમાં ઓપનીંગ ફટકાબાજી ધુંઆધાર રીતે કરવામાં આવી છે. અને હાલમાં નગરજનોની હથેળીમાં રૂા. 1100 કરોડનો ચાંદ મુકવામાં આવ્યો છે. નગરજનોને એવી અપેક્ષા છે કે, બીજેપીની આ ટીમ જામનગર આગામી દિવસોમાં રૂા. 1100 કરોડનો આ ચાંદ જમીન પર ઉતારી લાવશે, તમામ કામોને ગણતરીના સમયમાં કરી દેખાડશે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક કાલે શુક્રવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં મેયર અને કમિશ્ર્નર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. કમિટીની આ પ્રથમ બેઠકમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હસ્તકના કોર્પોરેશનના જુદા જુદા લોકેશનના હાઉસ કિપીંગના કામો માટેની સમગ્ર આઇટમને કમિશ્ર્નર દ્વારા દરખાસ્તના રૂપમાં પેશ કરવામાં આવી હતી. જેને કમિટીએ રિટેન્ડર માટે મોકલી દીધી હતી. આ ઉપરાંત આ જ વિભાગના એક કર્મચારીને પેટ્રોલ તથા મોબાઇલ એલાઉન્સ આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ શહેરમાં રખડતા અને નગરજનોને પરેશાન કરતા પશુઓના નિયંત્રણ માટે સરકારમાંથી રૂા. 8 કરોડની ગ્રાન્ટ મેળવવી જોઇએ. એ મતલબની દરખાસ્ત કમિશ્ર્નર દ્વારા મુકવામાં આવી હતી. જેનો કમિટીએ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે.

હાપા માર્કેટ યાર્ડ નજીક રેલવે ઓવરબ્રીજ બની રહયો છે જેમાં સલાહકારોની સલાહ લેવાની આવશ્યકતા ઉભી થઇ છે. આ માટે ક્ધસલ્ટન્સી સર્વિસના ચાર્જરૂપે રૂા. 20.70 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં. 8-15 અને 16 માં રસ્તાઓને મજબુત કરાવવા રૂા. 3 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના બે અલગ-અલગ ઝોનમાં રૂા. 46.46 લાખના ખર્ચે પાણીની નવી પાઇપલાઇનો બેસાડવામાં આવશે.

આ ઉપરાંત સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 અંતર્ગત આંતર માળખાકીય સુવિધાના કામો સુચવવા કમિશ્ર્નર તરફથી રૂા. 402.70 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત આવી હતી. જે દરખાસ્ત સરકારમાં મોકલવા અને ગ્રાન્ટની માંગણી કરવા અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. એ જ રીતે શહેરી સડક યોજના અંતર્ગત કમિશ્ર્નર દ્વારા રૂા. 71.31 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેનો પણ કમિટીએ સૈદ્ધાંતિક સ્વીકાર કરી લીધો છે.

આ ઉપરાંત શહેરમાં રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજુરી આપવા કમિશ્ર્નર દ્વારા થયેલી દરખાસ્તના અનુસંધાને રૂા. 600 કરોડનો ખર્ચ કરવા સરકારમાંથી ગ્રાન્ટ મેળવવા અંગે કમિટીએ સૈદ્ધાંતિક સ્વિકાર કર્યો છે. આ ઉપરાંત લાખોટા ભૂજીયા કોઠા અને ખંભાળિયા દરવાજાને જોડતી હેરીટેજ સાંકળ બનાવવા માટે રૂા. 13 કરોડની કમિશ્ર્નરની દરખાસ્તના અનુસંધાને સરકારમાંથી આ ગ્રાન્ટ મેળવવા અંગે કમિટીએ સૈદ્ધાંતિક સ્વિકાર કર્યો છે. એ જ રીતે માંડવી ટાવરના રેસ્ટોરેશન માટે સરકારમાંથી રૂા. 1.25 કરોડની ગ્રાન્ટ મેળવવામાં આવશે. આ ઉપરાંત ચેરમેને ચેર પરથી એવી જાહેરાત કરી હતી કે, આગામી 1 ઓકટોબરથી 30 ઓકટોબર સુધી વેરા રિબેટ યોજના અમલમાં મુકવા ઇચ્છીએ છીએ. આ આઇટમ આગામી જનરલ બોર્ડની બેઠકમાં મંજુરી માટે મુકવામાં આવશે. અને ત્યારબાદ વધુ એક મહિના માટે નગરજનોને વેરા રિબેટ યોજનાનો લાભ આપવામાં આવશે. આમ, કમિટીની બેઠક દરમિયાન કુલ રૂા. 1097.22 કરોડનો વિવિધ પ્રોજેકટસ તથા ખર્ચ માટેનો આંકડો મંજુર અને સૈદ્રાંતિક સ્વિકાર કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્ર્નર દિનેશ મોદી, ઇન્ચાર્જ ડે. કમિશ્ર્નર ભાવેશ જાની તથા કમિટીના 11 સભ્યો તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જસ્ટ રિમાઇન્ડર: રિવરફ્રન્ટનું અગાઉ બાળમરણ થયેલું !!!
મહાનગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓ માટે ટાઇટલમાં કહ્યું છે એમ આ માત્ર સ્મૃતિપત્ર છે. જામનગર મહાનગરપાલિકાએ આજથી આશરે એકાદ દાયકા પહેલાં નગરજનોને હથેળીમાં એક મસ્ત ચાંદ દેખાડ્યો હતો. તે સમયે કહેવાયું હતું કે, વિશ્ર્વ બેંક જામનગર મહાનગરપાલિકાને વાયા ગુજરાત સરકાર રૂા. 600 કરોડ આપશે અને શહેરમાંથી વહેતી નદીના બે કાંઠે અફલાતુન રિવર ફ્રન્ટ બનાવવામાં આવશે. તે પછીના સમયગાળામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શરૂઆતમાં આશરે ચારેક કરોડ રૂપિયા ખર્ચ કરીને નદીના પટ્ટમાંથી ઝાડી- ઝાંખરા હટાવ્યા હતાં. બાદમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, કોર્પોરેશન, શાસકો અને નગરજનો સૌ રિવર ફ્રન્ટને ભૂલી ગયાં એ આખી વાતને વર્ષોના વહાણાં વિતી ગયા છે.

ગઇકાલે શુક્રવારે સ્ટેન્ડીંગ કમિટીની નવનિયુકત ચેરમેનની પ્રથમ બેઠક હતી. આ બેઠકમાં આટલા વર્ષો પછી ફરી વખત રિવર ફ્રન્ટની વાત કરવામાં આવી છે. આ વખતે પણ રૂા. 600 કરોડનો અંદાજ બાંધવામાં આવ્યો છે. સાથે સાથે કહેવામાં આવ્યું છે કે, આ રકમ સરકારમાંથી ગ્રાન્ટના સ્વરૂપમાં મેળવવા માટે કમિટી કમિશ્ર્નરની આ દરખાસ્તનો સ્વિકાર કરે છે.

જામનગર મહાનગરપાલિકાના કર્તાહર્તાઓને પૂછો: વર્ષો પહેલાં રિવર ફ્રન્ટની જે વાત થઇ હતી તે રિવર ફ્રન્ટની ફાઇલો અત્યારે કોર્પોરેશનમાં કઇ જગ્યાએ અને કઇ સ્થિતીમાં પડી છે ? હાલમાં જે રિવર ફ્રન્ટની વાત કરવામાં આવી રહી છે. તેના માટે કોર્પોરેશન દ્વારા કોઇ હોમવર્ક કરવામાં આવ્યું છે કે કેમ ? હોમવર્ક કરવામાં આવ્યું હોય તો લોકોની જાણકારી માટે પબ્લીક ડોમીનમાં મુકવું જોઇએ. એવી લાગણી નગરજનોની છે.