આસામમાં NRCને લઈને આસામ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી કે NRC માટે અરજી કરવી ફરજિયાત છે અને જેમણે NRC માટે અરજી કરી નથી તેમને આધાર કાર્ડ આપવામાં નહીં આવે.
હિંમતા સરમા સરકારે કર્યુ એલાન
રાજ્યની હિમંતા બિસ્વા સરમા સરકારે કહ્યું કે જો અરજદાર અથવા તેના પરિવારે NRC માટે અરજી નહીં કરી હોય તો તો યુનિક આઇડેન્ટિટી કાર્ડ (આધાર) મેળવવા માટેની તમામ અરજીઓ ફગાવી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશના લોકો ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશથી ઘૂસણખોરી ચિંતાનો વિષય
મુખ્યમંત્રી સરમાએ કહ્યું, “આસામ પોલીસ, ત્રિપુરા પોલીસ અને બીએસએફએ છેલ્લા બે મહિનામાં ઘૂસણખોરીના ઘણા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. એટલા માટે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી આપણા માટે ચિંતાનો વિષય છે. આપણે આપણી સિસ્ટમને મજબૂત કરવી પડશે. અને એટલા માટે જ આધાર મિકેનિઝમ કડક બનાવવામાં આવ્યું છે.” કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં સામાન્ય વહીવટ વિભાગ આધાર માટેના અરજદારોની ચકાસણીની કામગીરી જોશે અને દરેક જિલ્લામાં અધિક જિલ્લા કમિશનર આ કાર્ય માટે જવાબદાર રહેશે.
UIDAI પહેલાં રાજ્ય સરકારને મોકલશે અરજી
સીએમએ કહ્યું, “પ્રાથમિક અરજી બાદ UIDAI તેને રાજ્ય સરકારને વેરિફિકેશન માટે મોકલશે અને પછી એક સર્કલ ઓફિસર પુષ્ટિ કરશે કે અરજદાર અથવા તેના પરિવારના સભ્યોએ NRC માટે અરજી કરી છે કે નહીં. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે આ નિયમ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ નહીં પડે.