પોણા બે ઇંચ વરસાદમાં જામનગર શહેરની આવી હાલત , એક સાથે ૧૫ થી ૨૦ ઇંચ ખાબકે તો !!!

જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 44 મીમી , જોડિયા તાલુકામાં 133 મીમી , તો ધ્રોલમાં 35 મીમી , કાલાવડમાં 34 મીમી , લાલપુરમાં 16 મિમી મીમી તેમજ જામજોધપુર ખાતે 21 મીમી વરસાદ નોંધાયો છે. 

જામનગર શહેરની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પોણા બે ઇંચ વરસાદમાં ગઈકાલે જામનગરની હાલત જોવા જેવી થઈ હતી. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાખોના ખર્ચે કરેલી પ્રિમોન્સૂન કામગીરીની પોલ પહેલા જ વરસાદમાં ખુલી ગઈ હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા અડધા કરોડના ખર્ચે પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તમામ કામગીરીઓ માત્ર કાગળ પર જ કરવામાં આવી હોય તે ગઈકાલના મોસમના પહેલા વરસાદે દેખાડી દીધું છે. અને હા ન માત્ર મહાનગરપાલિકા પરંતુ પીજીવીસીએલ દ્વારા પણ લાખોના ખર્ચે પ્રી મોન્સુન એક્ટિવિટી કરવામાં આવે છે પરંતુ તે તમામ કામગીરી પણ માત્ર ચોપડે થતી હોય તે રીતે પહેલા જ વરસાદમાં આખા ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો.

વરસાદના બે છાંટા પડ્યા નથી કે શહેરમાં બત્તી ગુલ થઈ નથી. સમગ્ર વર્ષ દરમિયાન પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને સારી સુવિધા મળે તે માટે લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે અને કામગીરી સ્વરૂપે માત્ર દેખાડો કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણકે વરસાદ અને વીજળીને ભવ ભવના વેર હોય તે રીતે વરસાદ આવ્યો નથી ને વીજળીએ વિદાય લીધી નથી તેવી પરિસ્થિતિ સમગ્ર શહેરમાં તથા જિલ્લામાં જોવા મળી રહી છે.PGVCL ની આ ભંગાર સર્વિસથી કંટાળેલા લોકો વિવિધ વિસ્તારોમાંથી કચેરીએ રજુઆત માટે પહોંચ્યા હતા.

સામાન્યરીતે કોઈ વ્યક્તિને લાઇટ બિલ ભરવામાં એક બે દિવસનો વિલંબ થાય તો સાહેબો પઠાણી ઉઘરાણી કરતા હોય તેમ ગ્રાહકના ઘરે અથવા ઓફિસે પહોંચી જાય છે અને લોકોને કનેકશન કાપી નાખવાની ધમકી આપે છે અને મોટાભાગના કિસ્સાઓમાં કાપી પણ નાખે છે.તો જ્યારે ગ્રાહકોને સર્વિસ આપવાનો સમય આવે ત્યારે કેમ સાહેબોને સુરાતાન નથી ચડતું ? હવે માત્ર જોવાનું એ છે કે જો શહેરી વિસ્તારમાં વીજળીની આ સમસ્યા છે તો ગામડામાં લોકોની શું પરિસ્થિતિ છે તે કદાચ કલ્પના પણ ના કરી શકાય.

લોકો પાસેથી ટેક્સ વસૂલવા હોય કે પછી લાઈટ બિલો તેમાં અધિકારીઓ મોટા ઉપાડે ગામમાં પઠાણી ઉઘરાણી કરવા નીકળે છે. પરંતુ પ્રજાના ટેક્સના પૈસા હોય કે લાઈટ બિલના તેના વળતરમાં તેમને સારી સુવિધા આપવા માટે આ કોઈ જવાબદાર ના હોય તેવી રીતે કામગીરી કરે છે. 

આવી પરિસ્થિતિમાં જામનગર શહેરમાં વરસાદની ઋતુ આવે ત્યારે ખેડૂતો અને શહેરીજનો ખુબ ખુશ થતા હોય છે પરંતુ વરસાદ આવ્યાની સાથે પાણી ભરાવા તેમજ વીજળી ભૂલ થઈ જવી જેવી સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પણ પોકારી જાય છે. એટલે મહાનગરપાલિકા તંત્ર હોય કે પછી પીજીવીસીએલ બંને એટલું યાદ રાખવાની જરૂર છે કે તેઓએ માત્ર પ્રજાના ખિસ્સા ખંખેરવાનું કામ નથી કરવાનું લોકોએ તેમને ચૂકવેલા ટેક્સનું વળતર પણ આપવાનું છે. માત્ર સરકારી ચોપડે કામગીરી દર્શાવવામાં ન આવે અને વાસ્તવિક સ્તરે કંઈક પ્રજાહિતના કામ થાય તેવી લોકોમાં કરી રહ્યા છે.