ટીમ ઇન્ડિયાને આવનારા સમયમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ભારતીય ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને તે પછી વન-ડે શ્રેણી માટે ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડવાનો છે. ત્યાર બાદ ટૂંક સમયમાં જ એશિયા કપ 2022 રમાશે. ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ત્રણ મેચની વન-ડે સિરીઝની કમાન ફરી એકવાર શિખર ધવનને આપવામાં આવી છે. સાથે જ આવનારા કેટલાક દિવસોમાં ટીમ ઇન્ડિયાની એશિયા કપ માટે પસંદગી થવાની છે. સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ રમાશે. ત્યાં સુધીમાં ભારતીય ટીમ ઘણા ફેરફારોમાંથી પસાર થઈ જશે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે રોહિત શર્મા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહેશે, સાથે જ વાઈસ કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બની જશે.
ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટનની કમાન કેએલ રાહુલ પાસે હતી. પરંતુ આઇપીએલ 2021થી તે કોઇ મેચ રમ્યો નથી. આવી સ્થિતિમાં દરેક સિરિઝમાં કેપ્ટન બદલાતા રહે છે, તેની સાથે સાથે વાઈસ કેપ્ટન પણ બદલાતા રહ્યા છે. ક્યારેક હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન બન્યો તો ક્યારેક રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન બન્યો. પરંતુ હવે લાગે છે કે, બીસીસીઆઇ કેએલ રાહુલના સ્થાને હાર્દિક પંડયાને કાયમી વાઇસ કેપ્ટન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ઇનસાઇડ સ્પોર્ટ્સના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. બીસીસીઆઈના એક અધિકારીએ ઈનસાઈડ સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, હાર્દિક પંડ્યા વર્લ્ડ ક્લાસ પ્લેયર છે અને તેને પૂરી ફિટનેસ સાથે ટીમમાં પાછો લાવવો ખૂબ જ સારી વાત છે. તેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવશે કે નહીં તે પસંદગીકારો પર નિર્ભર કરે છે. એક ઓલરાઉન્ડર તરીકે તે બંને પરિસ્થિતિઓને સમજે છે. તેની પાસે નેતૃત્વની મહાન કુશળતા છે અને અમે તે આઈપીએલમાં જોયું છે. તે ચોક્કસપણે સારું પ્રદર્શન કરશે.
બીસીસીઆઇના ઓફિસિઅલે એમ પણ કહ્યું છે કે, ઓલરાઉન્ડર હોવાના નાતે તમારા વર્કલોડને મેનેજ કરવો જરુરી છે. અમારી પાસે ઘણી બધી ટી-20 અને વન ડે મેચો આવી રહી છે અને આ ત્રણેય ફોર્મેટમાં ઓલરાઉન્ડર માટે રમવું શક્ય નહીં બને. તેના બદલે તે ટી-20 અને વન ડે પર ધ્યાન કેન્દ્રિત કરશે. “જ્યાં સુધી ટેસ્ટની વાત છે, અમારી પાસે ઓલરાઉન્ડર સ્લોટ માટે રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર છે અને તેઓએ સારો દેખાવ કર્યો છે. દીપક ઈજામાંથી પાછો ફરે તે પછી ટેસ્ટ માટે પણ તેના નામ પર વિચાર કરવામાં આવશે. એશિયા કપ 2022 અથવા ટી-20 વર્લ્ડ કપ 2022 પહેલા હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન બનાવી શકે છે. તેનો અર્થ એ પણ થશે કે જ્યારે રોહિત શર્મા વન ડે અને ટી-20માં આરામ ફરમાવશે, ત્યારે હાર્દિક પંડયા કેપ્ટન્સી માટે પહેલી પસંદ બની જશે.
હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે પહેલી વખત આઈપીએલ 2021 નો ખિતાબ પોતાની ટીમ ગુજરાત ટાઈટન્સને જીતાડવામાં મોટી ભૂમિકા નિભાવી હતી. તે દરમિયાન તેની કેપ્ટનશીપના પણ ખૂબ વખાણ થયા હતા. એટલું જ નહીં, બીસીસીઆઈએ તેને પહેલી વખત આયર્લેન્ડના પ્રવાસ પર કેપ્ટનશિપની જવાબદારી સોંપી હતી અને તેમાં પણ તે અપેક્ષાઓ પર ખરો ઉતર્યો હતો. આ સાથે જ કેએલ રાહુલની વાત કરીએ તો ક્યારેક ઈજાના કારણે તો ક્યારેક કોરોનાને કારણે તે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકતો નથી. આવી સ્થિતિમાં જો હાર્દિક પંડ્યાને જલ્દી જ પ્રમોટ કરવામાં આવે તો કોઇ મોટી વાત નથી.