હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 106 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દાંતામાં 2.75 ઈંચ વરસાદ અને કપરાડામાં 2 ઈંચ વરસાદ થયો છે. સાથે ચુડામાં 1.75 ઈંચ તથા ધંધુકા, રાણપુર અને ધાનેરામાં 1.5 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વ્યારા, અમદાવાદ શહેર, સતલાસણા, બોટાદ વડાલીમાં અને સોનગઢમાં 1.25 ઈંચ વરસાદ તથા લીમડી, ભાવનગર અને મહુવામાં 1-1 ઈંચ વરસાદ થયો છે.

બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આજે ગુજરાતના કેટલાંક જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસશે. જેમાં હવામાનની આગાહી અનુસાર, આજે દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે દાંતાની સરકારી હોસ્પિટલ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. ભારે વરસાદથી હોસ્પિટલમાં બે-બે ફૂટ પાણી ભરાઇ ગયું હતું. વરસાદી પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ડિલિવરી સહિત ઇમરજન્સી સારવારના દર્દીઓ પણ અટવાયા હતા. સરકારી હોસ્પિટલનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ પાણીમાં અટવાયા હતા. એક દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડરમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો અને પ્રાંતિજ અને હિંમતનગરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના લીધે ઈડરની ઘઉવાવ તેમજ ભેંસકા નદી બે કાંઠે થઇ ગઇ હતી. ગુહાઈ જળાશય યોજનામાં પણ પાણીની ભરપૂર આવક જોવા મળી હતી. જેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.