કોરોના વચ્ચે ગુજરાતના આ શહેરમાં વધ્યો સ્વાઇન ફ્લૂનો ખતરો

The threat of swine flu has increased in this city of Gujarat amid Corona

અમદાવાદમાં કોરોના બાદ હવે સ્વાઇન ફ્લૂના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એમાંય ચોમાસાની સિઝન ચાલતી હોવાના કારણે પાણીજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. જેમાં શરદી, તાવ, મલેરિયા અને ટાઇફોઇડ સહિતના રોગોએ માઝા મૂકી છે. એવામાં સ્વાઇન ફ્લૂના કેસો વધતા તંત્ર ચિંતામાં મૂકાઇ ગયું છે.

જો કે, સ્વાઇન ફ્લૂનો કહેર સૌથી વધારે બાળકોમાં વધારે જોવા મળી રહ્યો છે. જેમાં 0થી 6 વર્ષના 8 બાળકો અને 6થી 15 વર્ષના 40 બાળકો સ્વાઇન ફ્લૂની ઝપેટે ચડ્યા છે

જણાવી દઇએ કે, અમદાવાદમાં ઓગસ્ટના માત્ર 8 દિવસમાં જ સ્વાઇન ફ્લૂના 120 કેસ રિપોર્ટ થયા છે. જેમાંથી 108 કેસ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને 12 કેસ ગવર્મેન્ટ હોસ્પિટલમાં નોંધાયા છે. જ્યારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સ્વાઇન ફ્લૂના 154 કેસ નોંધાયા હતા. હાલમાં 100થી વધુ દર્દીઓ VS, LG અને શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે 25થી વધુ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

સ્વાઇન ફ્લૂના લક્ષણો

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂ H1N1 વાયરસના ચેપને કારણે ફેલાય છે. આ રોગમાં તાવ, શરદી, છીંક આવવાની સમસ્યા, ગળામાં દુખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યા જાગે છે. જો ચેપ ગંભીર હોય તો ન્યુમોનિયા અને છાતીમાં દુખાવો થઈ શકે છે. સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાય તે પછી 48 કલાકની અંદર દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે લક્ષણો દેખાય કે તરત જ સારવાર લેવી જોઈએ અને યોગ્ય સમયે દવા લેવી જોઈએ. આ સિવાય સ્વાઈન ફ્લૂથી બચવા માટે આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ. ચેપના કિસ્સામાં આરામ કરો અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવો ખોરાક ખાઓ. આ ચેપમાં, ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લેવી જોઈએ

શું છે સ્વાઈન ફ્લૂ?

સ્વાઈન ફ્લૂ એ ખૂબ જ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. અમે તેને H1N1 તરીકે પણ જાણીએ છીએ. તે ડુક્કર દ્વારા ફેલાતો ખતરનાક ચેપી રોગ છે. આ ચેપગ્રસ્ત પ્રાણી અથવા માણસના સંપર્કમાં આવવા પર, H1N1 વાયરસ માનવ શરીરમાં હાજર માનવ ફ્લૂના તાણના સંપર્કમાં આવે છે. જેના કારણે આ રોગ પ્રાણીઓ દ્વારા માણસોમાં પણ ફેલાય છે. જો રોગનું સ્તર વધુ ખરાબ થાય છે તો તે લોકોનો જીવ પણ લઈ લે છે.