ગુજરાતમાં હાલ વરસાદની સિસ્ટમ સક્રિય છે તેમાં પણ વળી દરિયામાં ભરતીનો સમય હોવાથી દરિયો ગાડોતૂર બન્યો છે. રાજ્યનો 1600 કિલોમીટરનો દરિયો ગુજરાતીઓને ડરાવી રહ્યો છે. દરિયામાં ભારે કરંટના લીધે ૧પ ફૂટ સુધી ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયો તોફાની બનતાં માછીમારો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની ચિંતા વધી છે.
વલસાડના દરિયા કિનારે તોફાની માહોલ છે. દરિયાનાં પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા છે. તોફાની દરિયો અને ઝડપી પવનના કારણે દરિયા કિનારાનાં કેટલાંક ઘરને પણ નુકસાન પહોંચ્યું છે. ગામની શેરીઓ અને લોકોનાં ઘરમાં પણ દરિયાનાં પાણી ઘૂસ્યાં છે. દાંતી ગામમાં વરસાદ કે નદી નહીં, પરંતુ દરિયાનાં પાણીના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.
સંઘપ્રદેશ દમણના દરિયામાં પણ લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી છે. એકમ બીજ અને ત્રીજની ભરતીના કારણે દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દમણના જાણીતા દેવકા બીચ પર દરિયામાં જોવા મળ્યા તોતિંગ મોજા પણ જોવા મળ્યા. દરિયાના પાણી ચોપાટી સુધી પ્રવેશી ગયા છે. પ્રવાસીઓથી ધમધમ તો દમણનો દરિયો હાલ સુમસામ ભાખી રહ્યો છે.
ગીર- સોમનાથનો દરિયો પણ ગાંડોતુર બનતાં ભારે પવન ફૂંકાવવાની સાથે ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. દરિયામાં ઊછળતાં મોજાંઓની સાથે પ૦ કિલોમીટરની ઝડપ કરતાં વધુ પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને માછીમારોના જીવ તાળવે ચોંટ્યા છે, જ્યારે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટને નુકસાન પહોંચ્યું છે.
એવી જ રીતે દ્વારકામાં ગોમતીઘાટ સહિતના કિનારે અંદાજે 12 થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં ભારે પવન ફૂંકાયો છે જેથી ઓખા બંદર પર એક નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું છે. હર્ષદ, નાવદ્રા, દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.
જુનાગઢમાં ભારે પવન સાથે માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. 10 થી 12 ફૂટ જેટલા મોજા દરિયામાં ઊછળી રહ્યા છે. ભારે કરંટ જોવા મળ્યો, તો આ તરફ પોરબંદરમાં પણ લો પ્રેશરના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો, અહીં 5 થી 7 ફૂટ જેટલા ઊંચા મોજા જોવા મળ્યા, બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. માછીમારી કરી રહેલ માછીમારો બંદર પર પરત ફર્યા છે.