દેશભરમાં હોળીનો તહેવાર 8 માર્ચના ઉજવવામાં આવશે. ત્યારે આ પહેલા ફરી એકવાર દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે.
24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 324 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં 324 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 22 ફેબ્રુઆરીએ 95 કેસ નોંધાયા હતા ત્યારબાદ કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ શુક્રવારે દૈનિક કેસનો આંકડો 300 હતો જે આજે 324 પર પહોંચી ગયો છે. આ નોંધાયેલા નવા કેસ બાદ દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2 હજાર 791 થઈ ગઈ છે.
સરકાર અને લોકોની ચિંતામાં વધારો કર્યો
કોરોનાના વધતા આંકડાએ સરકાર અને લોકોની ચિંતામાં વધારો કર્યો છે. અગાઉ કોરોનાથી ત્રણ લોકોના મોત પણ નોંધાયા છે. ત્યારે આ મહામારીથી મૃત્યુઆંક વધીને 5 લાખ 30 હજાર 775 થઈ ગયો છે. શુક્રવારે કોરોનાથી મહારાષ્ટ્રમાં 2 અને કેરળમાં એક મોત થયુ હતું. બીજી તરફ આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 4,46,87,820 લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે.