જામનગર ના આદર્શ સ્મશાનગૃહમાં પાણી ભરાઈ જતાં તેમજ ગાંધીનગર સ્મશાન નો માર્ગ પાણીના કારણે બંધ થતાં અંતિમ ક્રિયા રોકાઈ

જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન ગ્રહ કે જેમાં પાંચથી સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હોવાથી સ્મશાનની અંદરની બંને ભઠ્ઠીઓ બંધ છે, જ્યારે અંદર પ્રવેશ થઈ શકે તેમ ન હોવાના કારણે લાકડાથી પણ અંતિમ સંસ્કાર કરી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી અંતિમ ક્રિયા અટકી છે.
તે જ રીતે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં પણ જવા માટેનો રસ્તો કે જે પાણીમાં ગરકાવ થયો છે, અને સ્મશાન ગૃહ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હોવાથી ત્યાં પણ અંતિમ ક્રિયા કરવા માટે પહોંચવું શક્ય નથી. તેથી જામનગર શહેરમાં હાલ મૃતદેહોની અંતિમ વિધિ કરવા માટે જામનગર નજીક લાખાબાવળ ગામે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લાખાબાવળના સેવાભાવી યુવાનો દ્વારા અંતિમ વિધિ કરવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે, અને નગરજનોએ અંતિમ ક્રિયા કરવા માટે કમલ ગોસરાણી (૯૯૨૪૫ ૪૯૫૯૫), તેમજ
પ્રફુલ સુમરીયા(૯૯૨૪૫ ૩૩૫૨૧)નો સંપર્ક કરવા અનુરોધ  કરાયો છે.