હજુ તો તાજેતરમાં જ IELTSમાં 8 બેન્ડ મેળવીને મહેસાણાના 4 યુવકોને USA મોકલવાનું કૌભાંડ આચર્યાની ઘટનાને ઝાઝો સમય નથી થયો. ત્યાં તો વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં IHRA (ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન) ની તપાસમાં મસમોટું ઈમિગ્રેશન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આથી, એજન્ટ થ્રુ વિદેશ જતા વિદ્યાર્થીઓ સાવધાન
ઈમિગ્રેશન કૌભાંડમાં ખોટા બેન્ડ મળ્યાના સર્ટિફિકેટથી અનેક વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને બોગસ બેન્ડ સર્ટિ, બોગસ ડિગ્રી અને બોગસ એજ્યુકેશન બેન્ક લોન સર્ટિથી વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં 3 હજાર 500 જેટલાં ગુજરાતીઓની તપાસ ચાલી રહી છે.

વિદ્યાર્થીઓએ IELTS, TOFEL, CAE અને PTE જેવી પરીક્ષાની બોગસ બેન્ડ શીટ મેળવી હતી. 4 બેન્ડ પણ ન મળે તેવા વિદ્યાર્થીઓ 8 બેન્ડ સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. આ મામલે ગુજરાતના ત્રણ શહેરના 24 જેટલાં એજન્ટો હાલ રડારમાં છે.
આ મામલે ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ (IHRA) ના ચેરમેને નિવેદન આપતા જણાવ્યું કે, ‘અમારી પાસે ગેરકાયદે ઘૂસી ગયેલા લોકોની યાદી પણ છે. આ મામલે ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું મહાકૌભાંડ ચાલી રહ્યું છે. અમારી પાસે એજન્ટ વિરુદ્ધના પુરાવાઓ પણ છે. આગામી સમયમાં તમામ એજન્ટોને જેલમાં ધકેલવામાં આવશે.’

ખૂબ મોટી રકમ લઈને એજન્ટો વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલતા હોવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આથી, રૂપિયા 40થી 50 લાખ લઈને ગેરદાયદે વિદેશ મોકલનારા એજન્ટો રડારમાં આવ્યા છે. ગેરકાયદે મોકલનારા એજન્ટો વિદ્યાર્થીઓને ખોટા ડોક્યુમેન્ટ સુધી બનાવી આપે છે. આ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે વિઝા મેળવવામાં આવે છે. નોંધનીય છે કે, IHRAના સભ્યો ઓસ્ટ્રેલિયામાં છેલ્લા બે વર્ષથી તપાસ કરતા હતા.