- માતાના મઢ ખાતે પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષા માટે રિફ્લેકર લગાવવાના કેમ્પનું કરાયું આયોજન
જામનગર તા.૦૬ ઓક્ટોબર, નવરાત્રી દરમિયાન કચ્છમાં માતાના મઢ દર્શનાર્થે જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ આર.ટી.ઓ.કચેરી જામનગર, ટ્રાફિક પોલીસ જામનગર, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ જામનગર અને રોટરી ક્લબ ઓફ છોટી કાશી દ્વારા ચાલીને જતા શ્રદ્ધાળુઓ માટે અકસ્માતથી બચવા જામનગરના ખીજડીયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેકટર ટેપ લગાવવાના કેમ્પનું વિશેષ આયોજન હાથ ધરાયું છે.
આ કેમ્પમાં માતાના મઢ ચાલીને જઈ રહેલા શ્રદ્ધાળુઓને તેઓની સલામતી વિશે સમજાવી તેમની સાથે રહેલ બેગ, લાકડી તથા તેમના શર્ટની પાછળ રેડિયમ પટ્ટી લગાવી રાત્રે થતા અકસ્માતો નિવારવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે તેમજ આ કામગીરી સતત એક અઠવાડિયા સુધી ચાલુ રહેશે તેમ આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર જે.જે.ચુડાસમા દ્વારા જણાવાયું છે.

