રબ ને બના દી જોડી- તેના ઘણા કિસ્સા તમે જરૂર સાંભળ્યા હશે. પબજી જેવી ઓનલાઇન ગેમના ચક્કરમાં બ્લેકમેલિંગ અને આપઘાત જેવી ઘટના વિશે તો તમે સમાચાર સાંભળ્યા હશે. પરંતુ મધ્ય પ્રદેશના રાયસેનમાં સંભવતઃ પ્રથમ મામલો આવ્યો છે જેમાં પબજીએ કોઈનું ઘર વસાવ્યું હોય. ઓનલાઇન ગેમ રમતા યુક અને યુવતી એકબીજાના સંપર્કમાં આવ્યા. બંને વચ્ચે પ્રેમ થયો અને તેણે લગ્ન કરી લીધા. તેના લગ્નને હવે એક મહિનો થઈ ગયો છે અને બંને ખુશીથી રહે છે.

રાયસેનના પટેલ નગરમાં રહેતા યુવકે જણાવ્યું કે લગભગ અઢી વર્ષ પહેલા પબજી ગેમ રમવા દરમિયાન ઉત્તરાખંડના નૈનીતાલમાં અભ્યાસ કરતી શીતલ સાથે તેની દોસ્તી થઇ હતી. થોડા દિવસો પછી દોસ્તી પ્રેમમાં ફેરવાઇ હતી. આ પછી એકબીજાના ફોન નંબર લઇને વોટ્સએપ પર ચેટિંગ કરવા લાગ્યા હતા. પછી વીડિયો કોલ દ્વારા એકબીજાને પ્રથમ વખત જોયા હતા.

લગ્ન પહેલા યુવક ફક્ત એક વખત શીતલને મળ્યો હતો. આ પછી તેણે 1 મહિના પહેલા ભોપાલમાં લગ્ન કરી લીધા હતા અને સાથે રહેવા લાગ્યા હતા. યુવતી શીતલનું કહેવું છે કે તે નૈનીતાલમાં બીએસસીનો અભ્યાસ કરી રહી હતી. તેણે પણ પબજી ગેમ રમવાનો શોખ હતો અને ગેમ રમતા રમતા યોગેશના સંપર્કમાં આવી હતી. આ પછી બન્નેએ લગ્ન કરી લીધા હતા.

યુવતીના ગાયબ થયા બાદ તેના પરિવારજનોએ ફરિયાદ કરી. તપાસ માટે નૈનીતાલ પોલીસ રાયસેન પહોંચી હતી. સ્થાનીક પોલીસની મદદથી રાયસેનના વોર્ડ 11માં રહેતા યોગેશ અને શીતલને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. બંનેના નિવેદન લેવામાં આવ્યા. આ દરમિયાન પોલીસે બંનેને સમજાવ્યા. નૈનીતાલ પોલીસ યુવતીને સાથે લઈ જવા ઈચ્છતી હતી. પરંતુ શીતલે ના પાડી દીધી. તેણે કહ્યું કે તે પોતાના પતિ સાથે રહેવા ઈચ્છે છે. તેણે પોતાની ઈચ્છાથી યોગેશ સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદ નૈનીતાલ પોલીસ યુવતીને લીધા વગર ઉત્તરાખંડ પરત ફરી હતી