દક્ષિણ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી વનડે શ્રેણીની ચોથી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી પાછળ રહેલી યજમાન આફ્રિકન ટીમે ચોથી વન-ડેમાં કાંગારૂ બોલરોને સખત ક્લાસ આપ્યો હતો. આ મેચમાં પ્રથમ રમતા દક્ષિણ આફ્રિકાએ 416 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. તેના વતી હેનરિક ક્લાસને 83 બોલમાં 174 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ક્લાસને આ ઇનિંગમાં 13 ફોર અને 13 સિક્સર ફટકારી હતી. જ્યારે ડેવિડ મિલરે 45 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકાએ ODI ક્રિકેટમાં સાતમી વખત 400 કે તેથી વધુ રન બનાવ્યા. આ ઉપરાંત, ટીમ ઈન્ડિયાને પાછળ છોડીને, તે સૌથી વધુ વખત આવું કરનારી ટીમ બની ગઈ છે. ODI ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનો આ પાંચમો સર્વોચ્ચ સ્કોર પણ હતો. આ ટીમે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 439 રનનો ODI ક્રિકેટમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ મેચમાં ક્લાસેન અને મિલરની જબરદસ્ત બેટિંગના કારણે ટીમે શ્રેણીબદ્ધ રેકોર્ડ બનાવ્યા હતા.

ODIમાં સૌથી વધુ વખત 400નો આંકડો પાર કરનારી ટીમો
7- દક્ષિણ આફ્રિકા
6 – ભારત
5 – ઈંગ્લેન્ડ
2 – ઓસ્ટ્રેલિયા
2 – શ્રીલંકા
શું રહી આખી ઇનિંગ્સની સ્થિતિ ?
આ સમગ્ર ઇનિંગ્સ પર ટૂંકમાં નજર કરીએ તો દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ઈજાગ્રસ્ત કેપ્ટન ટેમ્બા બાવુમાના સ્થાને આ મેચમાં એડન માર્કરામ ટીમનો કેપ્ટન છે. ક્વિન્ટન ડી કોકે 45 રન અને રીઝા હેન્ડ્રીક્સે 28 રન બનાવીને સાઉથ આફ્રિકાને સારી શરૂઆત અપાવી હતી. આ પછી રાસી વેન ડેર ડ્યુસેને 62 રન બનાવી શાનદાર અડધી સદી ફટકારી હતી. કેપ્ટન માર્કરામ માત્ર 8 રન બનાવી શક્યો હતો પરંતુ તે પછી ક્લાસેન અને મિલરનો શો શરૂ થયો હતો. બંનેએ 5મી વિકેટ માટે 222 રન જોડ્યા હતા. ક્લાસેન અને મિલરે મળીને કુલ 19 ચોગ્ગા અને 18 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 417 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ શ્રેણીની આ મેચ દક્ષિણ આફ્રિકા માટે કરો યા મરો જેવી છે. અહીં જીત મેળવીને જ ટીમ સિરીઝમાં 2-2થી બરાબરી કરી શકશે. અન્યથા ઓસ્ટ્રેલિયા 3-1ની અજેય લીડ લઈ લેશે.