સુરેન્દ્રનગર: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર ઘટના ઘટી છે. બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર રોહિકા ચોકડી પાસે ટેન્કર અને ત્રણ ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત બાદ સિમેન્ટના ટેન્કર અને ત્રણ ટ્રકમાં વિકરાળ આગ લાગી હતી. આ સમગ્ર ઘટનામાં બે લોકો જીવતા ભડથું થયા છે. આ મસમોટી આગને બુઝાવવા માટે ધોળકા, બાવળા, સાણંદ સહિતની ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરતા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
અમદાવાદ, બગોદરા અને કોઠ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ગોઝારા અકસ્માત આગ લાગવાની ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા છે. હાલ મૃતકો ઓળખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ આગ એટલી વિકરાળ હતી કે, અકસ્માતને પગલે રોડની બંને બાજુ બંધ કરવાની ફરજ પડી હતી. આ ગોઝારી ઘટનામાં ત્રણ આઈસર ટ્રક અને ટેન્કર બળીને ખાખ થયા છે.આ સાથે એક ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.આ આગને જોતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધોળકા, બાવળા, સાણંદ સહિતની ફાયર ફાયટર ટીમે ઘટના સ્થળે પહોંચી વાહનોમાં લાગેલ આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમોની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલા આવી જ જયપુરમાં પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જયપુરમાં પેટ્રોલ પંપ પાસે LPG ટ્રક અને CNG ટ્રક વચ્ચે ભયાનક અથડામણ બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આગ લાગતા તેની ચપેટમાં 30થી વધુ વાહનો આવતા 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. આ દુર્ઘટના પર CNG ટેન્કર રોંગ સાઇડથી આવી રહ્યું હતું અને LPG ટ્રક સાથે અથડાયું હતું. ઘોર બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.