Site icon Meraweb

ભાજપમાં સેન્સ પ્રક્રિયા ચાલુ , 1500 થી વધુ દાવેદારોને થઈ શકે છે અસંતોષ કારણકે…..

મહાનગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. તો બીજી તરફ પક્ષો દ્વારા મુરતિયાઓને પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાજપમાં 1500 થી વધુ દાવેદારોએ દાવેદારી માટે ફોર્મ લીધા છે અને પક્ષના નિરીક્ષકો દ્વારા એક બાદ એક દાવેદારને બોલાવીને તેમની લાગણી સાંભળવામાં આવશે. ત્યારબાદ તે સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ પાર્ટીના મવડી મંડળને સોંપવામાં આવશે.

ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ આ વખતે અનેક ચાલુ કોર્પોરેટરોના નામની બાદબાકી આ વખતે નિશ્ચિત છે. સામાન્ય રીતે ભાજપમાં ઇલેક્શન કરતા સિલેક્શન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. ઉમેદવારની પસંદગી કરવામાં જો પક્ષ થાપ ખાઈ જાય તો તેના ગંભીર પરિણામો પક્ષને ભોગવવા પડી શકે છે. ઘણા ચાલુ કોર્પોરેટરોના પત્તા કપાવવા આ વખતે નિશ્ચિત છે તો આ વખતે પક્ષમાં મોટા પાયે નારાજગી અને આંતરીક અસંતોષ પણ જોવા મળી શકે છે .

ઘણા દાવેદારોએ તો આ વખતે દાવેદાર નહીં પરંતુ પોતાને ઉમેદવાર ગણી લીધા છે. પક્ષ ટિકિટ આપે તો ઠીક છે નહીંતર કોઈપણ અન્ય પક્ષ કે પછી અપક્ષ તો અપક્ષ પણ ચૂંટણી લડવી એ નક્કી કરી લીધું હોય એવા ટિકિટ ઈચ્છુકોની સંખ્યા ઘણી મોટી છે. કારણ કે વર્ષોથી જે લોકો પાર્ટી સાથે જોડાયેલા છે તેમને જો તક ન મળે તો પણ ડખો અને ચાલુ કોર્પોરેટરો છે તેમને જો ફરી તક ન મળે તો તેમાં પણ ડખો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ભાજપ આમ તો ખૂબ મોટો પરિવાર છે એટલે 1500 વધુ લોકોએ 64 સીટ માટે દાવેદારી કરી છે. એટલે અંદાજિત 1575 માંથી 1511 લોકોને તેમની સાથે અન્યાય થયો છે તેવું લાગશે કારણ કે જ્ઞાતિ સમીકરણો અને અન્ય પાસાઓને ગમે તેટલું ધ્યાનમાં રાખીએ પરંતુ સીટ 64 છે એટલે ઉમેદવાર પણ 64 જ હશે તે વાત નિશ્ચિત છે.

કોઈપણ પક્ષ હોય અને સમરસતાની ગમે તેવી સુફિયાણી વાતો કરે પરંતુ ટિકિટ વહેચણી સમયે જ્ઞાતિ સમીકરણો ધ્યાનમાં લેવામાં આવે છે તે વરવી વાસ્તવિકતા છે. જ્ઞાતિ આધારિત ટિકિટની ફાળવણી કરવામાં પાર્ટી કેટલુંક બેલેન્સ જાળવી શકે છે તે જોવું ખૂબ મહત્વનું રહેશે. ગત ટર્મના ઘણા એવા કોર્પોરેટરો છે કે જેમણે પાંચ વર્ષમાં પ્રજાને મોઢું પણ બતાવ્યું નથી એવા કોર્પોરેટરોની પણ પક્ષ બાદબાકી કરશે તે વાત નક્કી છે.

જામનગરમાં ચૂંટણીમાં આ વખતે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ જામે તો કોઈ નવાઈ નહીં. જો ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ ન થાય અથવા તો ઉણુ ઉતરે તો તેનો મોટો ફાયદો અન્ય બીજા પક્ષોને થાય તેવો નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો છે. પક્ષ માટે કાર્યકર્તાઓને કોઈ નારાજગી ન થાય તે ધ્યાન રાખવું ખૂબ મહત્વનું રહેશે. એ નારાજગી પછી ચાહે કોઈ સમાજની હોય કે પછી કોઈ વ્યક્તિગત બાહુબલી જેવા નેતાઓની હોય પરંતુ જો એને દૂર કરવામાં ન આવે તો આવનારી ચૂંટણીમાં પક્ષને તેના ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. જોકે આ બધી તો સ્થાનિક કક્ષાએ થતી વાતો છે પરંતુ પક્ષનું મવડી મંડળ શું નિર્ણયો લે છે? અને પસંદગીના કળશ કોની પર ઢોળે છે? તે ચિત્ર પણ ગણતરીના દિવસોમાં જ સ્પષ્ટ થઈ જશે.