દેહ વિક્રય કરતી મહિલાઓ કે સેક્સ વર્કર પણ એક વ્યવસાય કરે છે અને તેમને બંધારણની કલમ 21 અનુસાર અન્ય વ્યક્તિઓની જેમ જ મૂળભૂત અધિકારો મળવા જોઈએ એવું સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બનેલી એક ખંડપીઠે બુધવારે ઠેરવ્યું હતું. આ ઉપરાંત, સેક્સ વર્કર અંગે કોર્ટે નીમેલી એક સમિતિની ભલામણ અનુસાર કોર્ટે રાજ્ય અને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે વયસ્ક મહિલા જયારે સેક્સ વર્કમાં જોડાયેલી હોય તો તેમની પોલીસ દ્વારા હેરાનગતી થવી જોઈએ નહી. આવા કેસમાં જો પોલીસ દરોડા પાડે તો મહિલાઓની તસવીર પ્રકાશિત નહી કરવા પણ કોર્ટે મીડિયાને નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે દરેક સેક્સ વર્કર સાથે પોલીસનું માનભેર વર્તન હોવું જરૂરી છે તેમની સાથે અભદ્ર ભાષા કે શારીરિક ત્રાસ આપવાની પોલીસ ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે. તો દરોડા દરમિયાન પકડાયેલી મહિલાની તસવીર પ્રકાશિત થશે તો મીડિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન વર્ષ 2011માં એક સમિતિની રચના કરી હતી જેણે પોતાનો અંતિમ અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો છે. આ અહેવાલમાં ત્રણ મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. 1, સેક્સ વર્ક માટે થતી માનવ તસ્કરી અટકાવવી 2, જેમની દેહવિક્રય છોડવાની ઈચ્છા હોય તેમને યોગ્ય ટેકો આપવો અને ૩, જે લોકો દેહવિક્રય સાથે જોડાયેલા રહેવા ઈચ્છે તેમના માટે અનુકુળ વાતાવરણ ઉભું કરવું અને માનભેર વ્યવસાય કરવા દેવો.
સમિતિની કેટલીક ભલામણો સામે કેન્દ્ર સરકારે વાંધો ઉઠાવ્યો છે અને આ કેસની વધુ સુનાવણી તા. 27 જુલાઈએ કેન્દ્ર સરકાર જવાબ રજૂ કરે પછી ચાલશે. દરમિયાન, જે ભલામણો સામે વાંધો ઉઠ્યો છે તેની વિગતો નીચે મુજબ છે.
- સેક્સ વર્કરને પણ બંધારણની કલમ અનુસાર માનભેર વ્યવસાય કરવા દેવો જોઈએ. ગુન્હો તો જ દાખલ કરવો જોઈએ કે જેમાં ઉંમર અને પરાણે દુષ્કર્મ કરવામાં આવ્યું હોય. જો, સેક્સ વર્કર વયસ્ક હોય અને તેની ઈચ્છાએ આ કાર્યમાં જોડાયેલો હોય તો તેની સામે ગુન્હો દાખલ થવો જોઈએ નહી.
- જયારે ફૂટણખાના ઉપર દરોડા પડે ત્યારે સેક્સ વર્કર સામે કોઈ ગુન્હો નોંધાવો જોઈએ નહી. દેશમાં સહમતીથી સેક્સ ગેરકાયદેસર નથી પણ ફૂટણખાના જ ગેરકાયદેસર છે.
- માત્ર માતા સેક્સ વર્કર છે એટલે કોઇપણ બાળકને સેક્સ વર્કરથી અલગ કરવું જોઈએ નહી
- રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારે સેક્સ વર્કરને સાથે જોડી દેહવિક્રય અંગેના કાયદા, તેના માટેની સવલતો અને અન્ય જરૂરીયાતો વિશે વિચાર કરી પોલીસી બનાવવી જોઈએ.
- જો સેક્સ વર્કર સાથે જાતીય સતામણી કરવામાં આવે તો તેને કાયદા હેઠળ તાત્કાલિક તબીબી સહાય સહિત જાતીય સતામણીનો ભોગ બનેલી વ્યક્તિને ઉપલબ્ધ તમામ સુવિધાઓ પ્રદાન કરવી જોઈએ.