જામનગર તાલુકાના 20 ગામના સરપંચો દ્વારા ધ્રોલ એસટી ડેપોનો ઘેરાવ કરી તમામ એસટી બસનો બહિષ્કાર કરવાની ચીમકી.. જાણો કારણ….

જામનગર તાલુકાના 20 ગામના સરપંચો દ્વારા ધ્રોલ એસટી ડેપો નો ઘેરાવ કરી તમામ એસટી બસનો બહિષ્કાર કરવાની ચીમકી સરપંચો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ધ્રોલ ડેપો ની બસ ધ્રોલ રાજકોટ વાયા કાલાવડ થઈને ઘણા વર્ષોથી તે રૂટ પરથી ચાલે છે, રાજકોટ જવા માટેની ખૂબ જ ઉપયોગી રૂટ હોવાના કારણે 20 ગામના લોકો તથા વચ્ચેના આવતા ઘણા બધા ગામના લોકો આ બસનો ઉપયોગ કરે છે. અનેક વિદ્યાર્થીઓ ધંધાર્થીઓ બસમાં આ રૂટથી અપડાઉન કરે છે. પરંતુ ના જાણે કેમ છેલ્લા એક વર્ષથી આ રૂટની બસ વારંવાર બંધ કરવામાં આવે છે જેના કારણે મુસાફરોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અનેક ગામોના લોકો જ્યારે આ બસમાં મુસાફરી કરતા હોય ત્યારે આ બસ આ રૂટ પરથી બંધ કરી દેવાના કારણે ધંધાર્થીઓને અને ખાસ તો વિદ્યાર્થીઓને અપડાઉનમાં તકલીફ પડતી હોવાના કારણે તેમના અભ્યાસક્રમ પર માઠી અસર પહોંચે છે. 20 ગામના સરપંચો દ્વારા અને સ્થાનિકો દ્વારા અવારનવાર આ બાબતે એસટી ડેપો મેનેજરને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમજ અનેક આગેવાનોને પણ રજૂઆત કરવામાં આવી છે છતાંય કોઈ નિવેડો ન આવતા આખરે 20 ગામના સરપંચો દ્વારા ધ્રોલ ડેપોનો ઘેરાવ કરી તમામ એસટી બસનો બહિષ્કાર કરવાની ચીમકી વિચારવામાં આવી છે.

મહત્વનું છે કે આમ તો ધ્રોલ વિસ્તાર એ કૃષિમંત્રીનો વિસ્તાર છે કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેઓ પણ ધ્રોલના રહેવાસી છે. આથી તમામ લોકો દ્વારા અને સરપંચો દ્વારા કૃષિ મંત્રીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કાઢવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.