હાલાર તરીકે પ્રખ્યાત એવા જામનગર અને દ્વારકા પંથકમાં બુધવારે સતત બીજા દિવસે મેઘમહેર રહ્યો હતો. કલ્યાણપુર અને દ્વારકામાં 2, જામનગરમાં વધુ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધ્રોલ, જોડિયામાં પોણો ઇંચ પાણી વરસ્યું હતું. લાલપુર, જામજોઘપુર, ખંભાળિયા, ભાણવડમાં ઝાપટા પડયા હતાં. હાલારમાં આગામી શનિવાર અને રવિવારના અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા જિલ્લા પ્રશાસન એલર્ટ બન્યું છે.

ધ્રોલમાં રાજકોટ જામનગર હાઈવે પર આવેલ વ્હોરા બોર્ડીગ સામે બુધવારે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા માર્ગ પર પડ્યું હતું. આથી ધ્રોલથી રાજકોટ તરફનો વાહનવ્યવહાર અટકી ગયો હતો. જેના કારણે વાહનોને માર્ગની બીજી સાઈડમાં ડાયવર્ટ કરવા પડ્યા હતાં. નગરપાલિકાને જાણ કરાતાં જેસીબીથી ઝાડને દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો.

જામનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી લાખોટા તળાવમાં બુધવારે નવા નીરની આવક શરૂ થઇ છે. શહેરના શાન સમાન અને ડંકીના તળ સાજા રાખતા તળાવમાં નવા નીરની આવકથી શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. વરસાદમાં ન્હાવાની મોજ સાથે શહેરીજનોએ નવા નીર નિહાળવાનો પણ આનંદ માણ્યો હતો.

જામનગર જિલ્લામાં 24 કલાકમાં એટલે કે મંગળવારે સવારે 8 થી બુધવારે સવારે 8 વાગ્યા સુધીમાં મોટીબાણુંગારમાં 3, ફલ્લામાં 2, હડીયાણામાં 3, લતીપુરમાં 2, મોટા પાંચદેવડામાં 2, વાંસજાળિયામાં 2, ધ્રાફામાં 2.25, પડાણામાં 5, ડબાસંગમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો હતો. અન્ય ગામમાં હળવા-ભારે ઝાપટા પડયા હતાં.