ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ફેન્સ માટે એક પછી એક દિલધડક સમાચાર આવી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને કિંગ કોહલી બાદ હવે રવિન્દ્ર જાડેજા એ પણ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. રવિન્દ્ર જાડેજાએ પોતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ માહિતી આપી છે.
જાડેજાએ T20Iમાં 2009માં કર્યું હતું ડેબ્યૂ
રવિન્દ્ર જાડેજાએ ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં 10 ફેબ્રુઆરી-2009માં ડેપ્યુ કર્યું હતું. તેમણે શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં પ્રથમ મેચ રમી હતી. જાડેજાએ ડેબ્યૂ મેચમાં ચાર ઓવરમાં 29 રન આપ્યા હતા, જોકે એકપણ વિકેટ લઈ શક્યો નહતો. જ્યારે તેણે બેટિંગમાં સાત બોલમાં પાંચ રન નોંધાવ્યા હતા.
ડેબ્યૂ અને છેલ્લી મેચમાં એક જેવી સ્થિતિ
જાડેજાએ ટી20 વર્લ્ડકપ-2024ની ફાઈનલમાં અંતિમ મેચ રમી છે. આ મેચમાં તેણે બે રન નોંધાવ્યા હતા. જ્યારે બોલિંગમાં 12 રન આપી એક પણ વિકેટ લીધી ન હતી. એટલે કે તેમની ડેબ્યૂ મેચ અને છેલ્લી મેચની સ્થિતિ એક જેવી હતી.
જાડેજાએ રમ્યા છ ટી20 વર્લ્ડકપ
રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં કુલ છ ટી20 વર્લ્ડકપ રમ્યા છે. તે સારો અનુભવ ધરાવતો હોવા છતાં છેલ્લા વર્લ્ડકપમાં પોતાનો જાદુ ચલાવી શક્યો નથી. ટી20 વર્લ્ડકપ-2024માં જાડેજાએ 11 મેચમાં કુલ 102 રન નોંધાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 26 રનનો છે. આ ઉપરાંત તેણે માત્ર એક જ સિક્સ ફટકારી છે.