પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 મી ઓગષ્ટથી ગુજરાતની મુલાકાતે આવે છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન કચ્છ જિલ્લાને અનેક ભેટ ધરાવના છે. તેમાનો જ એક મહત્વનો પ્રકલ્પ એટલે, કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાન્ચ કેનાલ. આ શાખા નહેરનું પ્રધાનમંત્રી 28 મી ઓગષ્ટના રોજ લોકાર્પણ કરશે. રૂપિયા 1745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ નહેરથી કચ્છના લોકોને લાભ થશે.
પ્રધાનમંત્રી કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કરશે. કચ્છના 948 ગામો અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. 182 ગામના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. શાખા નહેરની કુલ લંબાઈ 357.185 કિ.મી. છે. નહેરની વહનક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડ છે. રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. ડિઝાઇન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ભૂકંપપ્રૂફ કેનાલનું નિર્માણ કરાશે.
26 જાન્યુઆરી 2001 માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં. ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની કરૂણતાની નોંધ સમગ્ર વિશ્વમાં છવાઇ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, આ બાળકોની સ્મૃતિમાં આ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી.
દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યંવ છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. ત્યાંથી આગળ જતા ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે. મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. અહીં ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોના નામ તેમની તસવીરો સાથે દિવાલ પર લખેલા છે. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં આવ્યો છે, જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.