છેલ્લા દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ દેશભરમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટર જેટલા વધી ગયા છે. બજારના નિષ્ણાતો એવું માને છે કે ત્રણ મહિના સુધી ભાવ સ્થિર રહ્યા પછી બન્ને ઇંધણની કિંમતમાં કુલ વધારો રૂ.૨૦ થી ૨૩ પ્રતિ લીટર જેટલો રહી શકે છે. આટલી ઉંચી કિંમત વધવા માટે જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ઊંચા ભાવ છે એમ સ્થાનિક ક્રુડ ઓઈલ, સસ્તું હોવા છતાં તેની ઇંધણની કિમત નક્કી કરવાની પ્રક્રિયામાં ગણતરી નહી થતી હોવાથી પણ ભાવ ઊંચા છે.
ભારત તેની જરૂરિયાતના ૮૦ ટકા ભલે આયાત કરે પણ ૨૦ ટકા સ્થાનિક ઉત્પાદનથી મેળવે છે અને તેના ભાવ વૈશ્વિક ભાવ કરતા ૩૦ટકા જેટલા નીચા હોવાનું ખુદ સરકાર સ્વીકારે છે. ભારત સરકાર ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ નક્કી કરે છે તેમાં બ્રેન્ટ ક્રુડનું પ્રમાણ ૭૨ ટકા અને બાકીના ૨૮ ટકા દુબઈ ઓમાન ગ્રેડના ક્રુડના છે. ભારત તેની જરૂરીયાતના ૨૦ થી ૨૫ ટકા સ્થાનિક ઉત્પાદન કરે છે પણ રીફાઈન્ડ પ્રોડક્ટ – ખાસ કરીને પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ – ના ભાવ નક્કી કરવા માટે સ્થાનિક ક્રુડની કોઈ ગણતરી કરવામાં આવી નથી.