વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે મોટી ટેક કંપનીઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. માઇક્રોસોફ્ટે તાજેતરમાં જ તેના 200 કર્મચારીઓને છૂટા કર્યા છે અને અન્ય એક ટેક જાયન્ટ ગૂગલે પણ કર્મચારીઓને ચેતવણી આપી છે. અહેવાલો અનુસાર, ગૂગલે કહ્યું છે કે જો કર્મચારીઓ તેમની કામગીરીમાં સુધારો ન કરે તો છટણી માટે તૈયાર રહેવું જોઈએ અને આગામી ત્રિમાસિક આંકડા અપેક્ષા મુજબના નથી.
એક રિપોર્ટ અનુસાર ટોચના સેલ્સ અધિકારીઓએ ચેતવણી આપી છે કે સેલ્સ પ્રોડક્ટિવિટીની સાથે-સાથે કર્મચારીઓની ઓવરઓલ પ્રોડક્ટિવિટીનું મૂલ્યાંકન કરવામાં આવશે. જણાવી દઈએ કે ગૂગલે પહેલા જ હાયરિંગ પર પ્રતિબંધ વધારી દીધો છે. આ સાથે જ હવે આ નવી જાહેરાતથી કર્મચારીઓમાં છટણીનો ભય પેદા થયો છે.
જુલાઈમાં, ગૂગલે કહ્યું હતું કે તે કર્મચારીઓની સંખ્યાની સમીક્ષા કરવા માટે બે અઠવાડિયા માટે તેની ભરતી અટકાવી રહ્યું છે. જો કે, નિમણૂકો પરનો આ સ્ટે સમગ્ર 2022 માટે વધારવામાં આવ્યો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે કંપની પડકારોનો સામનો કરી રહી છે અને આગળ પણ રસ્તો સરળ લાગતો નથી. પિચાઈએ કર્મચારીઓને કહ્યું હતું કે જે પ્રકારની આર્થિક સ્થિતિ ઉભી થઈ છે તેનાથી તેમની ઉત્પાદકતામાં વધુ વધારો કરવો પડશે. તેમણે જણાવ્યું હતું કે, “અમારી પાસે જેટલા લોકો છે તે મુજબ અમારી પાસે ઉત્પાદકતા નથી અને તે એક મોટી ચિંતા છે.”
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને એપ્રિલ-જૂન (બીજા ત્રિમાસિક) ક્વાર્ટરમાં અપેક્ષા કરતા ઓછી આવક મળી છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં માત્ર 13 ટકાનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 62 ટકા હતો. જો કે, માત્ર ગૂગલ જ આવકમાં ઘટાડાનો સામનો કરી રહ્યું છે તેવું નથી. લિંક્ડઇન, મેટા (ફેસબુકના પેરેન્ટ), ઓરેકલ, ટ્વિટર, એનવીડિયા, સ્નેપચેટ, ઉબેર, સ્પોટિફાઇ, ઇન્ટેલ અને માઇક્રોસોફ્ટ સહિત ઘણી ટેક કંપનીઓ છે જે દબાણનો સામનો કરી રહી છે.