જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 529 ગામોમાં વિજ પુરવઠો ઠપ્પ , નુકસાનીનો સર્વે હજુ ચાલુ , વિજ પુરવઠો ક્યારે પૂર્વવત થશે તેનો હાલ કોઈ અંદાજ નહીં

બીપરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારમાં તારાજી સર્જી છે. જામનગર દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાનીના અહેવાલ સામે આવી રહ્યા છે. કચ્છમાં ગઈકાલે મોડી રાત્રે વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ તેની તીવ્ર અસર સૌરાષ્ટ્રના જામનગર અને દેવભૂમિ દ્વારકામાં જોવા મળી રહી છે. તીવ્ર ગતિથી ફુકાતો પવન અને સાંબેલાધાર વરસાદે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં તારાજી સર્જી છે.

જામનગર જિલ્લામાં હજુ પણ તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે.વાવાઝોડાના કારણે જામનગર શહેર તથા જિલ્લામાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાસાઈ થયા છે. જામનગર જિલ્લામાં વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ઠપ્પ થયો છે.જામનગર જિલ્લા સર્કલમા કુલ 529 ગામડાઓમાં વિજ પુરવઠો ખોરવાયો છે. જેમાંથી 235 ગામ જામનગર જિલ્લાના 272 ગામ દ્વારકા જિલ્લાના અને મોરબી જિલ્લાના 22 ગામોનો સમાવેશ થાય છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બંને જિલ્લામાં કુલ 2600 વીજ પોલ ડેમેજ થયા છે.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 709 ફિડર બંધ છે જેમાંથી 431 જામનગર જિલ્લાના , 271 દેવભૂમિ દ્વારકાના ફીડરોનો સમાવેશ થાય છે.જિલ્લામાં 66 કેવીના કુલ 19 સબ સ્ટેશન બંધ થયા છે , અને હાલ નુકસાની અંગેની સર્વેની કામગીરી હજુ પણ ચાલુ છે. આ દર્શાવેલા આંકડાઓમાં વધારો થઈ શકે છે. PGVCL અધિકારી પરમાર સાહેબ દ્વારા જણાવ્યા મુજબ વીજ પુરવઠો પૂર્વવત કરતાં કેટલો સમય લાગશે તેનો કોઈ અંદાજ નથી .કારણકે વરસાદ અને પવનની ગતિ ધીમી થાય ત્યારબાદ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી શકાય.

પીજીવીસીએલના અધિકારીના જણાવ્યા અનુસાર પીજીવીસીએલની કમ્પ્લેન નંબર પર વધુ ગ્રાહકોના ફોન આવવાના કારણે ફોન એન્ગેજ આવવાની ફરિયાદ લોકોની આવી રહી છે. અધિકારીએ જણાવ્યું છે કે લોકોની ફરિયાદ એવી છે કે કોઈ ફોન ઉપાડતા નથી પરંતુ હકીકતે છે કે તેમાં એન્ગેજ ટોન આવી રહી છે. આથી આવી પરિસ્થિતિમાં વીજ પુરવઠો બંધ હોય તેવી ફરિયાદો વ્યાપક પ્રમાણમાં આવતી હોય છે આથી પીજીવીસીએલ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો ગભરાઈ નહીં પીજીવીસીએલની તમામ ટીમો વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી કરી રહી છે.