તાજેતરમાજ દેશના વડાપ્રધાન અને ઉપવડાપ્રધાનની ચૂંટણી યજિયા હતી. જેમાં કોંગી નેતાઓએ ક્રોસ વોટિંગ કરી એનડીએના ઉમેદવાર વિજેતા થયા હતા. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવતા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે. ત્યારે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપી ક્રોસ વોટિંગ કરનારાં કોંગ્રેસના છ બાગી ધારાસભ્યો ગમેતે ઘડીએ ભાજપમાં જોડાઈ તેવી ચર્ચા જોવા મળી રહી છે. કોંગ્રેસના નારાજ ધારાસભ્યો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ખાનગી બેઠકમાં રાજકીય ડીલ કરી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસની જેમને કમાન સોંપવામાં આવી છે, તે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તા. 16મીએ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગમન વખતે જ કોંગ્રેસમાં મોટું ગાબડું પડે તેમ છે.
ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને અંતર્ગત પક્ષો તૈયારીમાં જોતરયા છે. આ તરફ કેન્દ્રના દિગ્ગજ નેતાઓના પણ ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂંકપ સર્જાય તેવી સ્થિતિ સામે આવી છે. જેમાં કોંગ્રેસને એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતી છે. કોંગ્રેસ તેના ધારાસભ્યોને સાચવી શકી નથી. એક પછી એક ધારાસભ્યો પક્ષની વંડી ઠેકીને કેસરિયો ખેસ પહેરી રહ્યા છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પણ ભાજપે ખેલ પાડ્યો હતો. જેના કારણે કોંગ્રેસના એક- બે નહીં પણ છ ધારાસભ્યોએ ક્રોસવોટીંગ કર્યું હતું. જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ઝલોદના ધારાસભ્ય ભાવેશ કટારા, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ઉપરાંત ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ક્રોસ વોટીંગ કર્યું હોવાના નામ બહાર આવ્યા હતા.
મળતી માહિતી મુજબ કોંગ્રેસના છ ધારાસભ્યોએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ખાનગી બેઠક યોજી રાજકીય ડીલ કરી હતી. ભાજપે એવી સ્ટ્રેટેજી ઘડી છે કે, ગુજરાતમાં સિનિયર ઓબર્ઝવર અશોક ગેહલોત આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને પલટો કરાવવો જેથી કોંગ્રેસની છબીને નુકશાન થાય. આ ઉપરાંત 17મી ઓગસ્ટે કોંગ્રેસના પૂર્વ સાંસદ, પૂર્વ ગૃહમંત્રી પણ ભાજપનો ખેસ ધારણ કરે તેવી સંભાવના છે. આજ દિવસે કોંગ્રેસના બાગી ધારાસભ્યો પણ પક્ષ છોડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
જોકે પક્ષપલટુઓના આગમનને કારણે ભાજપમાં જ અસંતોષ વકર્યો છે. સંનિષ્ઠ અને પાયાના કાર્યકરો સવાલ કરી રહ્યા છે કે પક્ષપલટુઓ માટે કમલમમાં લાલજાજમ બિછાવાઈ રહી છે. મંત્રીથી માંડીને સંગઠનમાં મોટા હોદ્દાની લ્હાણી કરવામાં આવી રહી છે તો અમારૂં શું અમારે માત્ર પક્ષના કાર્યક્રમમાં ખુરશીઓ જ જમાવવાની અને પોસ્ટર જ ચોંટાડવાના, પક્ષના કાર્યકરોની કોઈ કદર જ નહીં.
આ ધારાસભ્યો કરી શકે છે પક્ષપલટો
- ચિરાગ કાલરિયા જામ જોધપુર
- સંજય સોલંકી, જંબુસર
- મહેશ પટેલ, પાલનપુર
- હર્ષદ રિબાડીયા, વિસાવદર
- લલિત વસોયા, ધોરાજી
- ભાવેશ કટારા,ઝાલોદ