જિલ્લાને કુપોષણ મુકત બનાવવા માટે જનપ્રતિનિધિઓએ બીડું ઝડપ્યું

People's representatives took initiative to make the district malnutrition free

વડાપ્રધાનના 73 માં જન્મદિવસ નિમિતે ચાલી રહેલા સેવા પખવાડીયાના ભાગરૂપે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પોતાના જન્મદિન અનુસંધાને શનિવારે જામનગરની હરિયા કોલેજ ખાતે સર્વ રોગ નિદાનનો મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર અને દ્વારકા જિલ્લાના સંખ્યાબંધ લોકોએ વિનામુલ્યે નિદાન અને સારવારનો લાભ લીધો હતો.

આ ઉપરાંત સાંસદનો જન્મદિવસ હોવાથી સંખ્યાબંધ મહાનુભાવોએ તેઓને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. અને આ પ્રકારનો મેગા કેમ્પ યોજવા બદલ અભિનંદન આપ્યા હતાં. આ મેગા કેમ્પ દરમિયાન સાંસદે એવી જાહેરાત કરી હતી કે જામનગર જિલ્લાને કુપોષણ મુકત બનાવવા માટે મારા તરફથી અંગત રીતે આજે જિલ્લાના 1008 કુપોષીત બાળકોને દત્તક લેવામાં આવે છે. અને આ બાળકો સુપોષીત બને તથા સમગ્ર જિલ્લો કુપોષણમુકત થાય તે માટે આ નિર્ણય અમલમાં મુકવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, 79 જામનગર દક્ષીણના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી દ્વારા પણ નિયત સંખ્યામાં કુપોષીત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. અને ત્યારબાદ કેબીનેટ મંત્રી અને જામનગર જિલ્લાના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ દ્વારા પણ પોતાના મતવિસ્તારના કુપોષીત બાળકોને દત્તક લેવામાં આવ્યા પછી સાંસદ દ્વારા પણ જિલ્લાના બાકી વધેલા કુપોષીત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. જનપ્રતિનિધીઓ વચ્ચેની આ સ્પર્ધા આવકારદાયક છે. અને આપણે સૌ અપેક્ષા રાખીએ કે આગામી સમયમાં જામનગર જિલ્લો જનપ્રતિનિધીઓની મહેનતને કારણે સુપોષીત અથવા કુપોષણ મુકત બને.

શનિવારના આ કાર્યક્રમમાં કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલ, ત્રણ ધારાસભ્યો મેઘજીભાઇ ચાવડા, દિવ્યેશભાઇ અકબરી અને રિવાબા જાડેજા ઉપરાંત મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશ કગથરા, શાસક જુથ નેતા આશીષ જોશી તથા દંડક કેતન નાખવા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, શહેર બીજેપી મહામંત્રીઓ પ્રકાશ બાંભણીયા, વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટુ ઉપરાંત જિલ્લા બીજેપી મહામંત્રીઓ દિલીપ ભોજાણી અને પ્રવિણસિંહ જાડેજા તેમજ શહેર બીજેપીના પૂર્વ પ્રમુખો અશોક નંદા, ધીરજલાલ કનખરા, મુકેશ દાસાણી, હિતેન ભટ્ટ, બીપીન ઝવેરી, હસમુખ હિંડોચા અને નિલેશ ઉદાણી તથા પૂર્વ મેયરો અમીબેન પરીખ, પ્રતિભાબેન કનખરા અને બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો અને બીજેપીના સેંકડો કાર્યકર્તાઓ તથા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં. અને સાંસદને શુભકામનાઓ પાઠવી હતી.