જામનગર શહેરમાં આવેલ ગુલાબનગર વિસ્તાર નજીક મોહનનગરમાં આવેલા આવાસના 12 નંબરના બિલ્ડીંગની અગાસીના ખૂણા પર વીજળી પડતાં બિલ્ડીંગનો ખૂણો નીચે ધસી પડ્યો હતો. જોકે સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ત્યાં વસવાટ કરતા સેંકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો.
જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં 12 નંબરની બિલ્ડીંગની અગાસીના એક ખૂણા પર આજે ભારે વરસાદની સાથે વિજળી પડી હતી. જે વીજળીના કારણે બિલ્ડીંગનો અગાસીના ખૂણાનો કેટલોક હિસ્સો નીચે ધસી પડ્યો હતો. સદભાગ્યે બિલ્ડીંગમાં વસવાટ કરતા અનેક લોકો પોતાના ઘરમાં જ હતા, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. પરંતુ સેકડો પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો. હજુ પણ વરસાદી વાતાવરણ ચાલુ હોવાથી અન્ય સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
જામનગર શહેરમાં ગઈકાલે બે ઈંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.