મોરબીમાં પેલેસ્ટાઇનના ઝંડા ફરક્યા , તપાસ એજન્સીઓ ધંધે લાગી

ઇઝરાયલ, પેલસ્ટાઈન અને ઈરાન વચ્ચે ચાલતો વિવાદ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સળગી રહ્યો છે તેવા સમયે જ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પેલસ્ટાઈનના ઝંડા લગાવી ત્રણથી ચાર યુવાનોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે.

મોરબીના ગ્રામ્ય વિસ્તારના માર્ગ ઉપર પેલસ્ટાઈનના ઝંડા સાથે બાઈક સવારી કરતા ત્રણ યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ચકચાર મચી ગઇ છે, ખાસ કરીને ઇઝરાયલ પેલસ્ટાઈન વિવાદ વચ્ચે ઇરાને પણ ઝંપલાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો સળગ્યો છે તેવા સમયે જ મોરબી પંથકનો વીડિયો વાયરલ થતા પોલીસ પણ હરકતમાં આવી છે.

બીજી તરફ અલગ અલગ ત્રણથી ચાર વીડિયોમાં પેલેસ્ટાઈની ઝંડા લગાવી ફરનાર યુવાનોના બાઈકના નંબર પણ મોરબી જિલ્લાના જીજે – 36 સિરિઝના સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, બાઇકમાં લગાવવામાં આવેલ પેલેસ્ટાઈનના ઝંડા પણ બહારથી આવ્યા હોય તેવા ફિનિસિંગ વાળા જણાઈ રહ્યા છે, ત્યારે મોરબી પંથકમાં પેલેસ્ટાઈનના ઝંડા ક્યાંથી આવ્યા ? શા માટે યુવાનોએ પેલેસ્ટાઈની ઝંડા લગાવી બાઈક સવારી કરી તે સહિતના સવાલો ઉઠી રહયા છે.

પેલસ્ટાઈની ઝંડા મામલે તપાસ ચાલુ છે : એસપી
મોરબી પંથકમાં પેલેસ્ટાઈનના ઝંડા સાથે બાઈક ઉપર નીકળેલા યુવાનોના વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરી યુવાનોની ઓળખ મેળવવા તપાસ ચાલુ હોવાનું જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.