ગુજરાત ATSએ ગુપ્ત માહિતીના આધારે પોરબંદરથી પાકિસ્તાન માટે જાસૂસી કરતો એક યુવક ઝડપી પાડ્યો છે. 21 વર્ષની ઉંમરના આ યુવકનું નામ જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા છે અને તે માછીમારી કરે છે. ગુજરાત ATSને મળેલી ગુપ્ત માહિતીના આધારે ATS છેલ્લા 15 દિવસથી આ યુવક પર નજર રાખી રહી હતી અને આખરે તેને ઝડપી પાડ્યો છે. આ યુવકને પોરબંદરથી અમદાવાદ ખાતે ગુજરાત ATSની કચેરીએ લાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.
હનીટ્રેપમાં ફસાયો અને પાકિસ્તાનમાં બેસેલા વ્યક્તિને મોકલી માહિતી
જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા જાન્યુઆરી 2024થી એક Advika Prince નામની ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો. પોતે એક મહિલા હોવાનું જણાવી આ Advika Prince ફેસબુક પ્રોફાઈલ ધારકે જતીન ચારણીયા પાસેથી તે પોરબંદર ગુજરાતનો છે અને માછીમારી કરે છે તે માહીતી મેળવી અવાર-નવાર ચેટ કરી, મિત્રતા કેળવી જતીન ચારણીયાને વિશ્વાસ લીધો હતો.
ઇન્ડિયન કોસ્ટગાર્ડની જેટીના ફોટો-વીડિયો મોકલ્યાં
અડવીકાની માંગણી મુજબ જતીન ચારણીયાએ તેને મેસેજ કરીને પોરબંદર ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડની જેટી તથા શીપ અંગેની કેટલીક વિગતો મોકલી આપેલ હતી. ત્યારબાદ દરિયાનો અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા જેટી ઉપર ઉભેલ શીપનો વીડીયો બનાવી અડવીકાને મોકલ્યો હતો. આ માહિતી બદલ અડવીકાએ જતીન ચારણીયાને ટુકડે ટુકડે કુલ ઓ.6000 તેના બેન્ક ખાતામાં જમા કર્યા હતા. ત્યારબાદ અડવીકાની સૂચના મુજબ જતીન ચારણીયાએ અડવીકાએ આપેલ તેના ટેલીગ્રામ એકાઉન્ટ પર ચેટ કરવાનું શરૂ કર્યું હતું.
ચેટના મેસેજ 24 કલાક બાદ ડીલીટ થાય એવું સેટિંગ કર્યું
અડવીકા અને જતીન ચારણીયાનાઓ વચ્ચે ફેસબુક મેસેન્જર અને ટેલીગ્રામ એકાઉન્ટ ઉપર થયેલ ઘણી ચેટ પ્રાઈવસી સેટીંગ્સ મુજબ 24 કલાકમાં ઓટો-ડીલીટ થઈ ગયા છે. અડવીકાની સૂચના મુજબ જતીન ચારણીયાએ અડવીકાએ આપેલ તેના WhatsApp એકાઉન્ટ પર ચેટ પણ કરેલ, જે WhatsApp એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલ હોવાનું ખૂલવા પામેલ છે.