Site icon Meraweb

પાક. જાસૂસથી લઈને આતંકીઃ દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે સૌરાષ્ટ્ર પણ હોટસ્પોટ

ISI અને અલકાયદા જેવાં સંગઠનોનો પણ સૌરાષ્ટ્રમાં પગપેસારોઘૂસપેઠ માટે અહીંના વિશાળ સમુદ્રી કિનારા વિસ્તાર પર રહેતી આતંકીઓની નજર, ક્યાંક સ્લીપર સેલ ચાલુ હોવાની પણ આશંકા

રાજકોટ,  ગુજરાતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિની ફિરાકમાં રહેલા શ્રીલંકાના આતંકવાદીઓ પકડાયા છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી પણ દેશવિરોધી શંકાસ્પદ હીલચાલ પકડી પાડવામાં આવ્યાનો ભૂતકાળ ફરી તાજો થયો છે. ખાસ કરીને ધોરાજી, પોરબંદર અને જામનગર વિસ્તારના કેટલાંક લોકોના તાર આતંકી પ્રવૃત્તિઓ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષપણે જોડાયેલા હોવાનું જે- તે સમયે બહાર આવ્યું હતું. 

આતંકીઓ કે શસ્ત્રો વગેરેની ઘૂસપેઠ માટે કચ્છની જેમ સૌરાષ્ટ્રના દરિયાકિનારા વિસ્તાર પર પણ ત્રાસવાદીઓની નજર રહેતી હોય છે, અને કોઈ સમયે ક્યાંક-ક્યાંક તો પ્રતિબંધિત સંગઠનોનાં સ્લીપર સેલ કાર્યરત હોવાની આશંકા પણ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીઓને જણાઈ હતી.

રાજકોટમાં અલકાયદા અને આઈએસના શખ્સો પકડાયા *  27 ફેબ્રુઆરી- 2017ના રોજ ગુજરાત એટીએસએ રાજકોટમાં વસીમ- નઈમ બંધુઓને પકડી પાડયા હતા, જેના તાર  ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હોવાની અને ચોટીલા મંદિર પર હુમલાનું પ્લાનિંગ કરાતું હોવાની આશંકા આધારે તેને બે વર્ષ સુધી નિગરાનીમાં રાખ્યા હતા એવું જાહેર કરાયું હતું. *  વર્ષ ૨૦૨૩ના ઓગસ્ટમાં શુકરઅલી અબ્દુલ્લા, અમન મલિક અને સૈફ નવાઝ નામના ઈસમોને રેલવે સ્ટેશન તથા સોનીબજારમાંથી પકડી પાડવામાં આવ્યા હતા, જેનું અલકાયદા કનેક્શન ખુલ્યું હતું.

ધોરાજીથી પાકિસ્તાની જાસૂસ પકડાયો હતો  * આજથી દસે’ક વર્ષ પહેલાં ધોરાજીથી પાકિસ્તાનનો એક શકમંદ જાસૂસ પકડાયો હતો. તેણે કચ્છના સૂરજબારી પુલ- રેલટ્રેકના નક્શા પણ બનાવ્યા હતા, અને કચ્છમાં પોસ્ટિંગ ધરાવતા લશ્કરી અફસરોનાં નામ- સંપર્ક નંબરો ઉપરાંત તેમનાં રહેઠાણના નક્શા સાથેની સી.ડી. પણ બરામદ થઈ હતી.

ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસનનું પોરબંદર કનેક્શન *  પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન  (આઇ.એસ.કે.પી) સાથે સંકળાયેલા ત્રણ કટ્ટરવાદી યુવાનો પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા હોવાની ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે એ.ટી.એસ.ની ટીમે 09મી જુન- ૨૦૨૩ની વહેલી સવારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી આ ત્રણ યુવાનોને આઇડેન્ટીફાઇ કરી પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. તેમાં (1) ઉબેદ નાસિર મીર, (રહે. 90 ફૂટ રોડ, શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર)  (2) હનાન હયાત શોલ (રહે. 90 ફૂટ રોડ, સૌરા, નૌશરા, શ્રીનગર) અને (3) મોહમ્મદ હાજીમ શાહ (રહે. ઘર નંબર 2/ 53, નરીબલ, સૌરા, શ્રીનગર) સમાવિષ્ટ હતા. આ ત્રણેય વ્યક્તિ ઈરાન થઈને ઈસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાન જવાના હતા. જામનગરના વ્યક્તિનાં સીમકાર્ડનો પાકિસ્તાનમાં શંકાસ્પદ ઉપયોગ *  અમદાવાદ એ.ટી.એસ.ની ટીમેં આજથી બે મહિના પહેલાં અસગર અલી નામના એક શખ્સની અટકાયત કરી હતી, જેણે પોતાનાં નામથી સીમકાર્ડ ખરીદ કરીને તેના પરિચિત એવા આણંદના એક વ્યક્તિને આપ્યું હતું, એ સીમકાર્ડ વાયા મીડિયા પાકિસ્તાન સુધી પહોંચ્યું હોવાનું અને તેનો ઉપયોગ થયાનું જાણવા મળ્યું હતું. હાલ તે શખ્સ જેલવાસ ભોગવી રહ્યો છે. આ ઉપરાંત આજથી વીસેક દિવસ પહેલાં બેડી વિસ્તારના ફઇમ સકલીન નામના અન્ય વ્યક્તિને પણ અમદાવાદ એટીએસની ટીમેં અમદાવાદમાંથી ઝડપ્યો હતો, જેણે પણ પોતાનાં નામે સીમકાર્ડ ખરીદ કરીને અન્ય વ્યક્તિને આપ્યું હતું, અને તેનો પણ વિદેશમાં ઉપયોગ થયાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રકરણની તપાસ અમદાવાદની એ.ટી.એસ. ચલાવી રહી છે.