Site icon Meraweb

દેશનાં આઠ શહેરોમાં વાયુ પ્રદૂષણથી એક લાખનાં મોત, ગુજરાતના આ બે શહેરોનો સમાવેશ

સાયન્સ એડવાન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે ભારતના આઠ શહેરોમાં ૨૦૦૫થી ૨૦૧૮ દરમિયાન એક લાખ લોકો વાયુ પ્રદૂષણનો ભોગ બન્યા હતા. અમદાવાદ, સૂરત, મુંબઈ, બેંગ્લુરુ, કોલકાત્તા, હૈદરાબાદ, ચેન્નાઈ, પૂણે – એમ આઠ શહેરોમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણે આઠથી ૧૪ ટકા સુધી વધી ગયું છે. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના ડેટાનું વિશ્લેષણ કરીને આ યુનિવર્સિટીના સંશોધકોએ ૪૬ શહેરોમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડ ૧૪ ટકા, ફાઈન પાર્ટિકલ્સ પીએમ ૨.૫ આઠ ટકા, એમોનિયા ૧૨ ટકા વધારે વાતાવરણમાં ભળ્યો હતો. તેના કારણે આ શહેરોમાં વાયુ પ્રદૂષણ વધ્યું હતું અનેે હવા પ્રદૂષણના કારણે થયેલા રોગોથી ૧૩ વર્ષમાં એક લાખ લોકોનાં અકાળે મૃત્યુ થયા હતા.

સંશોધકોએ ચેતવણી આપી હતી કે આ શહેરોમાં જે ઝડપે વાયુપ્રદૂષણ ફેલાય છે તે માનવજીવન માટે ખૂબ જ ઘાતક છે. વાયાવરણમાં કાર્બનની માત્રા સતત વધી રહી છે. શહેરોમાં ઉદ્યોગોના કારણે વાયુ પ્રદૂષણ ફેલાતું હોવાથી શહેરીજનોમાં શ્વસનતંત્રને લગતા રોગો પણ વધ્યા છે.

નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના સેટેલાઈટનો ડેટા તપાસીને હાર્વર્ડ યુનિવર્સિટી, લંડન યુનિવર્સિટીના સંશોધકોએ વાયુ પ્રદૂષણનો અહેવાલ આપ્યો હતો. એ પ્રમાણે અમદાવાદ, સૂરત સહિતના ભારતના આઠ શહેરોમાં વાયુ પ્રદૂષણના કારણે એક લાખ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. સંશોધકોએ એશિયા-આફ્રિકા અને મધ્યપૂર્વના ૪૬ શહેરોનો અભ્યાસ કર્યો હતો.

સંશોધકોએ વાયુ પ્રદૂષણના વિવિધ કારણો પણ તપાસ્યા હતા. જેમાં માર્ગ પરિવહન, કચરો બાળવાની પ્રવૃત્તિ, કોલસો અને લાકડા બાળવાથી થતું પ્રદૂષણ, ઘરેલું વાયુ પ્રદૂષણ વગેરે મુખ્ય છે. ૪૬માંથી ૪૦ શહેરોમાં એનઓ-૨નું પ્રદૂષણ ચાર ઘણું વધ્યું હતું. એ જ રીતે આ ૧૩ વર્ષોમાં ૪૬માંથી ૩૩ શહેરોમાં પીએમ૨.૫નું પ્રમાણ પણ દોઢથી ત્રણ ગણું વધ્યું હતું. ભારતે વાયુ પ્રદૂષણ ઉપર ખાસ નજર રાખીને ઘટાડવાના પ્રયાસો શરૃ કર્યા હોવાનો ઉલ્લેખ પણ અહેવાલમાં કરવામાં આવ્યો હતો.