ઓહો : જામનગર મહાનગરપાલિકા દ્વારા પકડેલા રખડતા પશુઓમાંથી 31% પશુઓના મોતની માહિતી તંત્રએ અરજદાર દ્વારા કરાયેલી RTI ના જવાબમાં આપી

શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરની સમસ્યા વિકટ બની છે.જામનગર મહાનગર પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા એક આર.ટી.આઈ મારફતે માહિતી માંગવામાં આવી હતી જેમાં છેલ્લા છ વર્ષમાં કેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા? કેટલા પશુઓને અમદાવાદ પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા? તેમજ કેટલા પશુઓ મૃત્યુ પામ્યા? જે આરટીઆઇના જવાબમાં ખૂબ જ ચોકાવનારી વિગતો સામે આવી છે.2017 થી લઈને નવેમ્બર 2022 સુધીમાં કુલ 10,475 પશુઓ પકડવામાં આવ્યા છે જેમાંથી 3252 જેટલા પશુઓ મૃત્યુ પામ્યા હોવાની વિગતો સામે આવી છે. આ માહિતી હિન્દુ સેના ના અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી આરટીઆઈ માં આપવામાં આવેલો છે સત્તાવાર રીતે જો તંત્ર મોતના આટલા આંકડા સ્વીકારતું હોય તો વાસ્તવિકતા શું છે એ તો ભગવાન જાણે?

કુલ પકડેલા પશુઓમાંથી 31% પશુઓ ઢોર ડબ્બામાં જ મૃત્યુ પામ્યા છે. અનેક વખત ગૌરક્ષકો દ્વારા માલધારીઓ દ્વારા અનેક રજૂઆતો તંત્રને કરવામાં આવી છે તંત્રની બેદરકારીને કારણે અનેક પશુઓએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. ઢોર ડબ્બામાં પકડેલા પશુને પૂરતો ખોરાક ન મળવો શેડ ન હોવાના કારણે ટાઢ , તડકો કે વરસાદ પશુઓને સહન કરવું પડે છે જેના કારણે અનેક પશુઓના મોત થયા છે.પકડેલા પશુઓમાંથી 31% પશુઓ મૃત્યુ પામ્યા છે જે ખૂબ જ ગંભીર આંકડો છે મહાનગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે અબોલ પશુઓના જીવ જાય છે જેની મહાનગરપાલિકા તંત્ર એ ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઈએ અને તાબડતો પશુઓના મૃત્યુ અટકે તે દિશામાં કામગીરી કરવી જોઈએ.

2017 થી અત્યાર સુધીમાં જો વર્ષ દરમિયાન આંકડાકીય માહિતી જોશું તો વર્ષ 2017 માં કુલ 1016 પશુઓ પકડવામાં આવ્યા હતા. જેમાંથી 535 પશુઓ મૃત્યુ પામ્યા છે એટલે કે પકડેલા પશુઓના 50% પશુઓ મૃત્યુ પામ્યા. એવી જ રીતે 2018માં 1061 પશુઓ પકડવામાં આવ્યા હતા જેમાંથી 690 પશુઓ મૃત્યુ પામ્યા હતા.2019 માં 1777 પશુઓ પકડવામાં આવ્યા હતા. જેમાંથી 622 પશુઓ મૃત્યુ પામ્યા હતા 2020 માં 2191 પશુઓ પકડવામાં આવ્યા હતા. જેમાંથી 432 પશુઓ મૃત્યુ પામ્યા છે. વર્ષ 2021 માં 1967 પશુઓ પકડવામાં આવ્યા હતા. જેમાંથી 268 પશુઓ મૃત્યુ પામ્યા હતા.2022 નવેમ્બર માર્ચ સુધીમાં કુલ 2463 પશુઓ પકડવામાં આવ્યા હતા જેમાંથી 705 જેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે.આમ જામનગર મહાનગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે ઢોર ડબ્બામાં પશુઓના ટપોટપ મોત થઈ રહ્યા છે.