બેદરકાર તંત્ર: તંત્રની બેદરકારીના કારણે ઢોર ડબ્બામાં પણ ઢોર સુરક્ષિત નથી

રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે , મહાનગરપાલિકા અને ગુજરાત સરકારે આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી છે. અને દરેક મહાનગરમાં ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા રખડતા ઢોરના આતંકથી બચાવવા માટે ઢોર પકડવાની કામગીરી તો કરવામાં આવી રહી છે પરંતુ માણસને બચાવવાના ચક્કરમાં અબોલ પશુઓના જીવ જાય તે કેટલું વ્યાજબી છે? રસ્તા પર રખડતા ઢોર લોકોને ઈજા ન પહોંચાડે તે માટે રખડતા પશુઓને પકડવાની કામગીરીનો રસ્તો સરકાર દ્વારા કાઢવામાં આવ્યો છે પરંતુ જામનગર મહાનગરપાલિકા તંત્ર જે રીતે કામગીરી કરી રહ્યું છે તેમાં લોકોને બચાવવાનો રસ્તો કાઢવાને બદલે ઢોરનો રસ્તો કરી નાખતા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે.

આજરોજ જામનગર મહાનગરપાલિકાના એક ટ્રેક્ટર દ્વારા રખડતા પશુઓને પકડવામાં આવ્યા હતા પરંતુ એક ટ્રેક્ટર માં ચાર થી પાંચ પશુઓને રાખવાની ક્ષમતા હોય ત્યારે તે ટ્રેક્ટર માં 8 થી 10 જેટલા પશુઓ ભરવામાં આવ્યા હતા. જેના લીધે આજરોજ ટ્રેક્ટર માં પશુઓ સંકળાય જતા તેમાં દબાઈને એક ગાયનું મૃત્યુ થયું છે. એટલું જ નહીં આ માત્ર આજની વાત નથી પરંતુ માલધારીઓની ફરિયાદ છે કે આ પ્રકારના બનાવો એકાંતરે બે દિવસે બને છે. રખડતા પશુઓને ઢોર ડબ્બે લઈ જવામાં આવે છે પરંતુ ત્યાં તેમના માટે ખવડાવવાની ઘાસચારાની કોઈ પૂરતી વ્યવસ્થા નથી તેમ જ ટાઢ તડકો કે વરસાદ હોય તેવી પરિસ્થિતિમાં ઢોર ડબ્બામાં પશુઓ માટે કોઈ શેડ બનાવવામાં આવ્યા નથી જેના કારણે પશુઓના ડબ્બામાં ટપો ટપ મોત થઈ રહ્યા છે.

છેલ્લા એક મહિનામાં 27 અબોલ પશુઓના મોત થયા હોવાનું તંત્ર સત્તાવાર રીતે કબૂલી રહ્યું છે ત્યારે આ પ્રકારની કામગીરીને લઈને માલધારીઓમાં રોશ ફાટી નીકળ્યો છે , જામનગર મહાનગરપાલિકા શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ માટે ઢોર પકડવાની કામગીરી કરે તે ખૂબ જ સરાહનીય છે પરંતુ માણસની સાથે સાથે પશુઓની પણ જિંદગી મહામૂલી છે તે ભૂલી જવું ન જોઈએ.